ગુજરાત
News of Sunday, 18th February 2018

હવે આરટીઓમા કર્મીઓમાં કામોને લઇ ભારે ઉદાસીનતા

કર્મચારીઓની આડોડાઇના કારણે કામો અટવાયા :કાચા અને પાકા લાયસન્સમાં પણ બે-બે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળવાથી નાગરિકો ત્રાહિમામ્ પોકારી ગયા

અમદાવાદ,તા. ૧૮ :અમદાવાદ આરટીઓ કચેરીમાં તાજેતરમાં જ એસીબીની ટ્રેપ બાદ કલાર્ક, હેડકલાર્ક સહિતના નીચલી કેડરના કર્મચારીઓએ કામમાં આડોડાઇ શરૂ કરી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સુભાષબ્રીજ ખાતેની આરટીઓ કચેરીમાં કલાર્ક, હેડકલાર્ક સહિતના કર્મચારીઓ સહીઓ કરવામાં તેમ જ તેમની જવાબદારીવાળા કામો કરવામાં ઠાગા-ઠૈય્યા કરી રહ્યા હોવાથી નિર્દોષ નાગિરકોના કામો અટવાયા છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, આ વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હોવાછતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બીજીબાજુ, કાચા-પાકા લાયસન્સમાં પણ બે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળતી હોઇ નાગરિકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. સારથી-૪ નવુ સોફ્ટવેર આવ્યા પછી પણ આરટીઓ તંત્રની અણઘડ અને બિનકાર્યક્ષમ પધ્ધતિ પહેલા જેવી જ જૈસે થે ચાલી રહી છે, જેને લઇ નાગરિકો-વાહનચાલકો ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. દરમ્યાન અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ પ્રજાના કામો કરવામાં આડોડાઇ કરી રહેલા કર્મચારીઓના ભોગે નિર્દોષ નાગરિકો ના દંડાય તેવી તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે. તાજેતરમાં જ આરટીઓ કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડી કચેરીના બે કર્મચારીઓ આર.કે.પરમાર અને લલિત પરમારને લાંચના છટકામાં રંગેહાથ ઝડપી લીધા હતા. જેને પગલે આરટીઓ કચેરીમાં લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં જોરદાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અગાઉ પણ એસીબીએ આરટીઓ કચેરીમાં અવારનવાર તવાઇ બોલાવી છે. જેથી હવે ડીએ બ્રાંચ સહિતના કલાર્ક, હેડકલાર્ક તથા અન્ય કર્મચારીઓ નાગરિકો-વાહનચાલકોના લાયસન્સથી લઇ રજિસ્ટ્રેશનની કામગીરીના કાગળોમાં સહીઓ જ કરતા નથી. અમુક સમય બેસીને આ કર્મચારીઓ કામ કરે અને થોડીવાર પછી ઉભા થઇ જતા રહે અને જગ્યા પર આવતા જ નથી. સહી કરવામાં અને કામ કરવામાં આ પ્રકારે તેઓ આડોડાઇ કરી રહ્યા છે. નાગરિકો અને વાહનચાલકો દ્વારા જયારે કર્મચારીઓના આ વર્તનની રજૂઆત ઉપરી અધિકારીઓ સુધી કરી તો તેઓએ પણ બિન્દાસ્ત રીતે લાચારી વ્યકત કરી હતી.

કર્મચારીઓના કામની જવાબદારીમાંથી આવી ભાગેડુ  વૃતિને લઇ હાલ આરટીઓ કચેરીમાં નાગરિકોના મહત્વના કામો અટવાયા છે અને વિલંબિત થઇ રહ્યા છે. દરમ્યાન કર્મચારીઓની આડોડાઇનો ભોગ નિર્દોષ નાગરિકો ના બને તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવવાની માંગણી કરતાં અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સારથી-૪નું નવુ સોફટવેર આવ્યા બાદ પણ આરટીઓ કચેરીમાં સ્થિતિ પહેલાના જેવી જૈસે થે જ છે. નાગરિકો-વાહનચાલકોને પહેલા બેકલોગ કરવા ફરજ પાડવામાં આવે છે અને ત્યારબાદ તેમની એપોઇન્ટમેન્ટ લઇને દસ્તાવેજો સ્કેન કરીને કરવાની જટિલ અને ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર થવા મજબૂર કરવામાં આવે છે. જેને લઇ નાગરિકો અને વાહનચાલકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. આરટીઓ તંત્ર કહે છે, જૂનો સારથી-૩ નો ડેટા તેમની પાસે નહી હોઇ વાહનચાલકોએ બેકલોગ-એન્ડોર્સમેન્ટ કરાવવું ફરજિયાત છે તો સારથી-૪ ઇન્સ્ટોલ કરતાં પહેલાં આરટીઓ કચેરીની કામગીરી પંદર-વીસ દિવસ બંધ રખાઇ ત્યારે સત્તાવાળાઓએ શું કર્યું ? આરટીઓ તંત્રના અણઘડ આયોજન અને બિનકાર્યક્ષમ વહીવટનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ખરેખર રાજય સરકારે આ મામલે કાયમી નિરકારણ લાવતા પગલા લેવા જોઇએ.

(9:27 pm IST)