ગુજરાત
News of Monday, 18th January 2021

વડોદરામાં MD ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ :મહિલા અને તેનો સાગરીત ઝડપાયા : સપ્લાયર વોન્ટેડ જાહેર

નાનજી ચેમ્બરમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા નશીલા ઇન્જેક્શનોનો વેપલો

વડોદરા: શહેરના કારેલીબાગ-બહુચરાજી રોડ પર આવેલા નાનજી ચેમ્બરમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે, વડોદરા પોલીસની SOG ટીમે એક મહિલા અને તેના સાગરીતને ઝડપી પાડ્યાં છે.

 આ અંગે મળતી વિગતો મુજબ, નાનજી ચેમ્બરમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા નશીલા ઇન્જેક્શનોનો ગોરખ ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે મહિલા અને તેના એક સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પ્રતિબંધિત MD ડ્રગ્સ અને મોબાઇલ સહિત રૂપિયા 1.20 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વૉન્ટેડ જાહેર કર્યો છે.

 

SOGની ટીમે ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં તેણે મહિલા સાથે મળીને એમડી ડ્રગ્સ તથા ઇન્જેક્શનનું વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી હતી. મહિલાના ઘરમાં તલાશી દરમિયાન તિજોરીમાંથી 30 મિલિગ્રામના 8 નંગ પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા.

SOGની પૂછપરછમાં જાણવા મળ્યુ કે, ઈમ્તિયાઝ અગાઉ 2018માં પણ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સયાજીગંજ વિસ્તારનાં પરશુરામ ભઠ્ઠામાં રહેતો મૂળ નડિયાદનો ડ્રગ માફિયા મહંમદ સફી દિવાન ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની હકીકત સામે આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(1:51 pm IST)