ગુજરાત
News of Monday, 18th January 2021

લાઇટ મેટ્રોની કનેકટીવિટી આવનારા દિવસોમાં અન્‍ય શહેરોમાં પણ જોડવા પ્રયત્‍ન : વિજયભાઇ

વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા સુરત મેટ્રો રેલ - અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-૨નું ભૂમિપૂજન સંપન્‍ન : કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઇ-માધ્‍યમથી ઉપસ્‍થિતિ : મહાત્‍મા ગાંધી - ગાંધીનગર ખાતે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૧૮ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ નવી દિલ્‍હીથી વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી ગુજરાતમાં ૪૦ કિ.મીથી વધુના સુરત મેટ્રો રેલ પ્રોજેક્‍ટ અને ૨૮ કિ.મી. થી વધુના અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્‍ટ ફેઝ-૨નો આજે શિલાન્‍યાસ કરાવ્‍યો હતો. આ ભૂમિપૂજન પ્રસંગે કેન્‍દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અતિથિ વિશેષ તરીકે ઇ-માધ્‍યમથી જોડાયા હતા.

મહાત્‍મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા મેટ્રો ભૂમિપૂજન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ૪૦ કિ.મીના સુરત મેટ્રો રેલ પ્રોજેક્‍ટ અંતર્ગત કોરિડોર-૧ ડ્રીમ સિટીથી ચોક બજાર અંડર ગ્રાઉન્‍ડ કોરિડોર-૨ ચોક બજારથી સુરત રેલવે સ્‍ટેશનનું ભૂમિપૂજન- શિલાન્‍યાસ તેમજ ૨૮ કી.મીથી વધુના અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્‍ટ ફેઝ-૨ હેઠળ કોરિડોર-૧ મોટેરાથી GNLU અને ગિફટસિટી જયારે કોરિડોર-૨ રાયસણથી સેક્‍ટર-૧ ગાંધીનગરનું ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે કેન્‍દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતના સુરત અને અમદાવાદને મેટ્રો રેલ પ્રોજેક્‍ટની ભેટ આપવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર માનીને સુરત અને અમદાવાદ- ગાંધીનગરની જનતાને અભિનંદન આપ્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ પ્રસંગે ગુજરાતીઓવતી વડાપ્રધાનશ્રીનો આભાર માનતા કહ્યું હતું કે, ગઈકાલે વિશ્વના નકશા ઉપર કેવડિયામાં વડાપ્રધાનશ્રી દ્વારા દેશભરમાંથી અલગ-અલગ ૮ ટ્રેનો ચાલુ કરાવીને ટૂંકા સમયમાં કેવડિયા, ડભોઇ, ચાણોદમાં રેલવે સ્‍ટેશન બનાવીને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને એક વર્લ્‍ડ ક્‍લાસ ટુરિઝમ તરીકે ગુજરાતમાં ડેવલપ કર્યું છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે.

તેમણે કહ્યું હતું કે, આજે મોટેરાથી ગિફટ સિટી ગાંધીનગર મેટ્રો ફેઝ-૧નો શિલાન્‍યાસ થઈ રહ્યો છે. સુરતનો ડ્રિમ સિટીથી માંડી સુરતના આધુનિકરણમાં સુરતમાં મેટ્રોનો શુભારંભ થઈ રહ્યો છે એ ગુજરાતમાં આનંદ અને ગૌરવનો વિષય છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી હતા ત્‍યારથી ગુજરાત વિકાસની એક હરણફાળભરીને રોલ મોડેલ બન્‍યું છે. ગુજરાતમાં આધુનિક શહેરો તેમજ ગ્રામ્‍ય ક્ષેત્રે કૃષિ, વનબંધુ, સાગર ખેડુ જેવા અનેક આયામોમાં ગુજરાતનો વિકાસ થયો છે તેમાં આજે મેટ્રોના નવા પિંછા ઉમેરાયા છે.

તેમણે કહ્યું હતું કે, જયારે દિલ્‍હીમાં કોંગ્રેસની સરકાર હતી એટલે ગુજરાતની અન્‍યાય થતો હતો અત્‍યારે આપણા માટે આનંદની વાત છે કે મોસાળે મા પીરસનાર છે અને ગુજરાતની વિશેષ ચિંતા, ગુજરાત માટે અનંત પ્રેમ એ રીતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આપણુ માર્ગદર્શન કરી રહ્યા છે એના પરિણામે આપણે વિકાસની ચરમસીમા તરફ આગળ વધી રહ્યા છીએ.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં અનેક પ્રોજેક્‍ટો કાર્યરત કર્યા છે. એમાં આજે વધારાના બે પિંછા નવા ઉમેરાયા છે. તાજેતરમાં નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ગુજરાતની પહેલી AIIMSનું રાજકોટમાં ખાતમૂહુર્ત, કચ્‍છમાં સૌથી મોટો ૩૦,૦૦૦ મેગાવોટ રિન્‍યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂહુર્ત, ગુજરાત પ્રથમ રાજય કે જયાં દરિયાના ખારા પાણીને મીઠા કરવા ડિસેલીનેશન પ્‍લાન્‍ટનું ખાતમૂહુર્ત, ભારતના સૌથી ઉંચા ગીરનાર રોપ-વેનું ઉદ્દઘાટન, દરિયાઇ માર્ગે આવન-જાવન માટે રો-પેક્‍સ સર્વિસનું ઉદ્દઘાટન તેમજ એશિયાની સૌથી મોટી હાર્ટ હોસ્‍પિટલનું ઉદ્દઘાટન વડાપ્રધાનશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં સૌથી પહેલી કિસાન સૂર્યોદય યોજના કે જેમાં ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી આપીને વર્ષોથી ખેડૂતોની માગણીનો અંત લાવવા પ્રથમ તબક્કામાં ૧૦૫૫ ગામડાઓમાં નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આજની સ્‍થિતિએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ૪,૦૦૦ ગામને દિવસે સિંચાઇનો લાભ મળી રહ્યો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગિફટ સિટીનું વિશેષ આર્થિક મહત્‍વ છે. સુરત ડ્રિમ સિટી- ડાયમંડ સિટીનું પણ એટલું જ મહત્‍વ છે ત્‍યારે સુરત અને ગાંધીનગરમાં મેટ્રોનો શિલાન્‍યાસ એ ભવિષ્‍યના આધુનિક ગુજરાતની વધુ એક નીવ વડાપ્રધાનશ્રીના હસ્‍તે મૂકાઇ છે. ગુજરાતવાસીઓ માટે આનંદની વાત છે કે ભારત સરકારે લાઇટ મેટ્રો કન્‍સેપ્‍ટ શરૂ કર્યો છે. ગુજરાતના બાકીના શહેરોમાં પણ ભવિષ્‍યમાં આ લાઇટ મેટ્રો અને એના દ્વારા લોકોની આવન-જાવન કનેક્‍ટિવીટી ઝડપી બને એ દિશામાં ગુજરાત સરકાર અવશ્‍ય પ્રયત્‍નો કરશે. કેન્‍દ્ર સરકારની મદદ પણ ગુજરાતને મળવાની છે તેમ જણાવી વડાપ્રધાનશ્રી અને કેન્‍દ્ર સરકારનો મેટ્રો પ્રોજેક્‍ટ માટે આભાર માનીને સુરત અને ગાંધીનગરના લોકોને શુભકામનાઓ પાઠવવી હતી. ᅠᅠ

કેન્‍દ્રિય આવાસ- શહેરી બાબતોના રાજયમંત્રી ડો. હરદિપસિંહ પુરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, શિક્ષણ રાજયમંત્રીશ્રી વિભાવરીબેન દવે, ગાંધીનગર મેયરશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્‍યશ્રી શંભુજી ઠાકોર જયારે સુરત ખાતે સામાજિક ન્‍યાય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ, આરોગ્‍ય રાજય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, સાંસદશ્રી દર્શનાબેન જરદોશ સહિત ધારાભ્‍યશ્રીઓ, ઉપરાંત મહાત્‍મા મંદિર ખાતે મુખ્‍ય સચિવશ્રી અનિલ મુકીમ, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્‍ય સચિવશ્રી મુકેશ પુરી, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના વહીવટી સંચાલકશ્રી એસ. એસ. રાઠોડ સહિત ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:21 pm IST)