ગુજરાત
News of Monday, 18th January 2021

મહાનગરોમાં રાત્રી કર્ફયુનો સમય એક કલાક વધારવા આહાર મેનેજમેન્ટ એસો. કરશે મુખ્યમંત્રીને રજૂઆત

રાત્રે ૧૧ વાગ્યાનો કરવામાં આવે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ કારીગરોને લાભ મળશે

અમદાવાદ તા. ૧૮ : કોરોના મહામારીના કારણે શહેરમાં ૭૦૦થી વધારે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના બજારો પર માઠી અસર જોવા મળી રહી છે. આ મંદીના કારણે હોટલા કારીગરો પણ પોતાના વતનો પરત ફરી ગયા છે. જો કે, શહેરમાં રાત્રિ કર્ફયુના કારણે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. કફર્યુનો સમય વધારવા માટે આહાર મેનેજમેન્ટ એસોશિએશન દ્વારા સીએમ રૂપાણીને કર્ફયુ સમય વધારવા માટે રજૂઆત કરશે.

આહાર મેનેજમેન્ટ એસોશિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે આ અંગે જણાવ્યું હતું કે, હાલ ૧૦ વાગ્યા બાદ કર્ફયૂ જાહેર કરી દેવામાં આવ્યું છે.જેના કારણે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આ કર્ફયૂની સમયમર્યાદા રાત્રે ૧૧ વાગ્યાની કરવામાં આવે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ કારીગરોને લાભ મળશે. આ બાબતે એસોસીએશન દ્વારા આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવશે. કોરોના કાળમાં ગત માર્ચ મહિના બાદ શહેરમાં ૪૦ ટકા એટલે કે ૭૦૦થી વધારે રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના એકમો બંધ થઇ ગયા છે

બીજી તરફ કેટરીંગના વ્યવસાય સાથે પણ મહત્તમ રાજસ્થાની નાગરિકો જોડાયેલા છે. જોકે લોકડાઉન બાદ આ લોકો પોતાના વતન જતાં રહ્યા છે. હજુ પણ અમદાવાદમાં લગ્ન પ્રસંગ માટે માત્ર ૧૦૦ મહેમાનોની જ મુકિત હોવાથી તેઓ પરત આવ્યા નથી. હવે આગામી ૧૮મી જાન્યુઆરીએ એક મુર્હૂત છે. જે બાદ છેક એપ્રિલમાં મુર્હૂત છે. ત્યારે હવે પ્રસંગમાં મહેમાનોની હાજરી ૧૦૦થી વધારીને ૩૦૦ કરવી જોઇએ. હવે આ ઉદ્યોગ ધમધમતાં નહીં થાય તો આ ઉદ્યોગ પડી ભાંગશે. વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો પણ બેકાર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં જયારથી રાત્રિ કર્ફયુ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી હોટલ માલિક અને ખાણીપીણીના બજારો એકદમ ઠપ્પ જોવા મળી રહ્યા છે. ઘણા કારીગરો તો પોતાના વતનો પાછા જતા રહ્યા છે. જેથી સીએમ રૂપાણીને કર્ફયુની સમયમર્યાદા વધારવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે.

(12:00 pm IST)