ગુજરાત
News of Wednesday, 17th November 2021

નામમાં ભૂલને લીધે ગુજરાતના માછીમારને પાકે. બંદી બનાવ્યા

નવાબંદર ગામમાં રહેતા માછીમાર ફસાયા : પાક. જેલમાં બાબુભાઈના પિતાનું નામ કરશનભાઈના સ્થાને કિશનભાઈ લખાઈ ગયું જેના કારણે છોડાયા નહીં

રાજુલા , તા.૧૭ : ઉના તાલુકાના દરિયાકિનારે આવેલા નવાબંદર ગામમાં રહેતા એક માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા. માર્ચ, ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિક્યુરિટી ગાર્ડ દ્વારા બોટ સહિત સાત માછીમારોને બંદી બનાવીને પાકિસ્તાનની જેલમાં કેદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સજા પૂરી થતાં માછીમારોને વર્ષ ૨૦૧૮માં છોડી દેવામાં આવ્યા હતા. તેઓ પોતાના વતન પાછા ફર્યા હતા પરંતુ નવાબંદરના બાબુભાઈ બાંભણિયા ઘરે નોહતા આવી શક્યા.

નામમાં થયેલી એક ભૂલને કારણે બાબુભાઈને મુક્ત કરવામાં નહોતા આવ્યા. બાબુભાઈએ પરિવારને પત્ર લખ્યો ત્યારે જાણવા મળ્યું કે પાકિસ્તાનની જેલમાં તેમના પિતાનું નામ કરશનભાઈના સ્થાને કિશનભાઈ લખાઈ ગયું છે, જેના કારણે તેમને છોડવામાં નહોતા આવ્યા. નોંધનીય છે કે એક વર્ષ પહેલા ઉનાના આગેવાન રસિકભાઈ ચાવડા અને રાજુલાના અજય શિયાળને વાતની જાણ થતા તેમણે પરિવારનો સંપર્ક કર્યો હતો.

આગેવાનોએ જરુરી દસ્તાવેજો પરિવાર પાસે માંગ્યા અને ત્યારપછી ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર સહિતના વિભાગોને પત્ર લખીને રજૂઆત કરી હતી.

તેમણે પોતાની રજૂઆતની સાથે માછીમારના તમામ દસ્તાવેજો પણ જોડ્યા હતા. સદ્દનસીબે માત્ર ૧૫ દિવસમાં ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશન અને ગાંધીનગરથી પણ જવાબ મળ્યો હતો. ગૃહ મંત્રાલય તરફથી પિતાના નામમાં સુધારો કરવામાં આવ્યો છે.

ટુંક સમયમાં પાકિસ્તાનની જેલમાં કેદ ૨૦ માછીમારોને મુક્ત કરવાના છે. માછીમારોની સાથે નવાબંદરના માછીમાર બાબુબાઈ પણ મુક્ત થશે અને આખરે પોતાના વતન પાછા ફરી શકશે. બાબુભાઈના પરિવારમાં પણ ખૂશીનો માહોલ છવાયેલો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરિયાકિનારો છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારી કરતી વખતે દરિયામાં જતા માછીમારો ઘણીવાર પાકિસ્તાની મરીન સિક્યોરિટી ગાર્ડના નિશાન બનતા હોય છે.

(9:06 pm IST)