ગુજરાત
News of Tuesday, 17th November 2020

દિવાળીની રજાઓમાં દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા : હોટેલ માલિકો અને અન્ય ધંધા રોજગારને ફાયદો

દિવાળીની રજાઓમાં સહેલાણીઓ ઉમટી પડતાં પ્રવાસનને મળ્યો વેગ :ડિસેમ્બરમાં હજુ વધારે બુકિંગની આશા

દીવ: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ કોવિડ-19 તેમજ લોકડાઉનમાં આર્થિક રીતે ઘણું તૂટ્યું હતું દીવના પ્રવાસન પર નભતા વેપારીઓ અને હોટેલ માલિકો છેલ્લા 8 મહિનાથી કારમી મંદીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારોમાં દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતા આખરે વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. ખાસ કરીને દીવના નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ, જલંધર બીચ, ફોર્ટ સહિત તમામ દર્શનીય સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે

દીવના હોટલ માલિકોનું કહેવું છે કે હાલ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેઓ ગુજરાતના જ છે, અન્ય રાજ્યોમાંથી હજી સુધી ટુરીસ્ટ બુકીંગ નથી આવ્યું. તેમ છતાં દિવાળીની રાજાઓને પગલે ઠીક ઠીક ધંધો થઈ રહ્યો છે અને મોટાભાગની હોટેલમાં બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. આથી આગામી ડિસેમ્બરમાં પણ દીવના વેપારીઓને સારી એવી કમાણી થાય તેવી આશા છે.

આખરે દીવના પ્રવાસન ઉદ્યોગના જીવમાં જીવ આવ્યો છે. કોરોના મહામારીને લીધે આર્થિક નુકસાન જતા છેલ્લા 8 મહિનાથી દીવના વેપારીઓ અને હોટેલ માલિકો નિરાશ બેઠા હતા. પરંતુ રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ દીવની મુલાકાત લેતા દીવનું પ્રવાસન ધીમે ધીમે બેઠું થાય તેવી સૌને આશા બંધાઈ છે.

(11:26 pm IST)