ગુજરાત
News of Sunday, 17th November 2019

માર્ચ-2020માં લેવાનારી ધો.10ની પરીક્ષાના ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ લંબાવીને ૨૫મી નવેમ્બર કરવામાં આવી

Photo : Std. 10

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાનારી ધો.10ની પરીક્ષાના ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ લંબાવીને ૨૫મી નવેમ્બર કરવામાં આવી છે. 26મી નવેમ્બરથી 18મી ડિસેમ્બર દરમિયાન ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે.

19મી ઓક્ટોબરથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૃ કરાઇ હતી. આ કાર્યવાહી 18 નવેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકાશે તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ હજુ ઘણાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી બોર્ડ દ્રારા ઉક્ત નિર્ણય કરાયો છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ તેમણે લેઇટ ફી ભરવાની રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બોર્ડે ૨૫ નવેમ્બર પછી ત્રણ તબક્કાઓમાં લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરવાની જાહેરાત કરી છે. તે મુજબ 26 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રૃ. 250 લેઇટ ફી સાથે ફોર્મ સ્વિકારાશે. ત્યારબાદ 6થી 15 ડિસેમ્બર સુધી રૃ.300 તથા 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી લેઇટ ફી રૃ. 350 લેવામાં આવશે. 18 ડિસેમ્બર સુધી કોઇપણ સમયે ધો.10ના વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે તેવું બોર્ડ દ્વારા જણાવાયું છે.

ધો.10 અને 12ના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ સર્વર ખૂબ જ ધીમા ચાલતા હોવાથી ખૂબ જ ઓછી સંખ્યામાં ફોર્મ ભરાય છે. તેમાંય ઘણી વખત તો માંડ એકથી બે જ ફોર્મ ભરી શકાય છે.

(11:38 am IST)