ગુજરાત
News of Sunday, 17th November 2019

રાહુલ દેશની માંફી માગે તેવા નારાની સાથે ધરણા કાર્યક્રમો

રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસે ભ્રામક પ્રચાર કર્યો : કોંગ્રેસ પાર્ટી હજુય બયાનબાજી કરી રહી છે : જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૧૬: પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા કરાયેલા ભ્રામક અપપ્રચાર અને જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં જીલ્લાસ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર તેમજ ''રાહુલ ગાંધી દેશની માફી માંગે''ના નારા સાથે વિરોધાત્મક ધરણા કાર્યક્રમો યોજાયા હતા. આ સંદર્ભમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે રાફેલ સોદા મામલે રાહુલ ગાંધી અને કોંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂધ્ધ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી નેતાઓએ કરેલા બાલીશ, પાયાવિહોણા અને વાહિયાત નિવેદનોને વખોડી કાઢી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશની જનતાની સાર્વજનિક રીતે માફી માંગેની ઉગ્ર માંગ સાથે વિરોધાત્મક ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ સહિત જીલ્લા પ્રમુખ-મહામંત્રીઓ, મેયર, આગેવાનઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિમહત્વપૂર્ણ એવા રાફેલ સોદા મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનઘડત છે. રાફેલ સોદા અંગે નામદાર સુપ્રિમ કોર્ટે કરેલ નિર્ણયનું સન્માન કરવાના બદલે કોંગ્રેસ હજી પણ આ મુદ્દે ખોટી બયાનબાજી કરી રહી છે તે ખૂબજ શરમજનક બાબત છે. કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

(9:39 pm IST)