ગુજરાત
News of Sunday, 17th November 2019

૨૦૨૫ સુધી ભારતમાં સરકારી હોસ્પિટલમાં ૧ લાખ તબીબ હશે

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધનની ખાતરીઃ સૌના સહકારથી હેલ્થ ફોર ઓલના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરી શકીશું : ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હર્ષવર્ધન ખાસ હાજર રહ્યા

અમદાવાદ,તા.૧૬: ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત જુદા જુદા વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા. હર્ષવર્ધને કહ્યું હતું કે, ૨૦૨૫ સુધીમાં દેશમાં સરકારી હોસ્પિટલોમાં એક લાખ ડોક્ટરોને ઉભા કરાશે. તમામના સહકાર સાથે હેલ્થ ફોર ઓલના લક્ષ્યાંકને પાર પાડવામાં આવશે. ડો.હર્ષવર્ધને નેશનલ સમિટના ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ઉપર આ નેશનલ સમિટનું આયોજન કરવાની તક મળી તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. ગુજરાતની ધરતીએ દેશના વિકાસમાં અનેરું પ્રદાન આપ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નયા ભારતનું સ્વપ્ન જોયું છે એ આપણે સૌ ૧૩૦ કરોડ ભારતવાસીઓ સાથે મળીને સાકાર કરવાનું છે,  જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે આરોગ્ય ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. ડો.હર્ષવર્ધને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે છેલ્લા પાંચ-છ વર્ષમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા તેમજ સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત જેવા અનેક સફળ અભિયાનને હાથ ધર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન થકી દેશમાં કરોડો નવા શોચાલયો નિર્માણ થયા છે જેથી બીમારીમાં ઘટાડો જોવા મળ્યો છે.  પહેલું સુખ તે જાતે નર્યા તે સંકલ્પને આપણે સૌએ સાથે મળીને પૂર્ણ કરવાનો છે.

આ માટે આપણે યોગ્ય આયોજન, બજેટ-સંશોધન જેવા ક્ષેત્રો ઉપર ભાર મૂકવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

(9:36 pm IST)