ગુજરાત
News of Saturday, 17th November 2018

અમદાવાદ મ્યુનિ સ્કૂલ બોર્ડમાં ૬૦ ટકા જગ્યા ખાલી હોવાથી અસર

શિક્ષણ સહિતની કામગીરી પર માઠી અસરઃ સ્કૂલ બોર્ડમાં શીડયુલ મુજબ ૭૭૫ના મંજૂર મહેકમ સામે ૩૩૦ કર્મચારીની જ નિયુકિત : ૪૪૫ જગ્યા હજુય ખાલી

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન આપવાને બદલે કરોડો રૂપિયાના ખર્ચે સ્કૂલબોર્ડની નવી ઓફિસનું બિલ્ડિંગ બનાવવા જેવી રાજાશાહીના જમાના જેવા ઠાઠમાઠને બાળકોના વિકાસના ભોગે માણવા અધીરા બન્યા છે. બીજીબાજુ,  સ્કૂલબોર્ડના શાસકોની બલિહારીથી વહીવટી સ્ટાફમાં પણ ભારોભાર શૂન્યાવકાશ સર્જાયો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં સિનિયર કલાર્ક સહિતની વહીવટી સ્ટાફ શિડ્યૂલની કુલ ૭૭પ જગ્યા પૈકી ૬૦ ટકા જગ્યા ખાલી પડી રહી હોઇ શિક્ષણ સહિતની કામગીરી પર માઠી અસર પડી રહી હોવાના ગંભીર આરોપી સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યએ લગાવ્યા છે. સ્માર્ટ ર્લનિંગના ઢોલનગારા પીટનારા સ્કૂલબોર્ડના શાસકો સામે અવારનવાર એક અથવા બીજા પ્રકારની ગેરરીતિના આક્ષેપ ઊઠતા રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં ૪૬,૩૧૯ બાળકોએ શાળા છોડી હોય તો તેનું કારણ સતત કથળતું જતું શૈક્ષણિક સ્તર પણ છે. જોકે તંત્ર દ્વારા તો વાલીઓની આર્થિક સમૃદ્ધિ વધતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાનો દાવો કરાય છે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્ય ઇલિયાસ કુરેશીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, પટાવાળા તો ઠીક, પરંતુ પૂરતી સંખ્યામાં તેડાગર, વોચમેન અને પાણી પાનાર નથી. સ્ટાફની અછત હોવાના કારણે શિક્ષકોને અવારનવાર વહીવટી કામગીરી કરવાની ફરજ પડાય છે. જો કે સત્તાવાળાઓ કોઇ પણ જાતનો લેખિત આદેશ આપ્યા વગર માત્ર મૌખિક સૂચનાના આધારે શિક્ષકોને સ્વજોખમે શિક્ષણેતર કામગીરીમાં જોતરે છે. આના પરિણામે બાળકોનો અભ્યાસ રુંધાય છે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં શિડ્યુલ મુજબ ર૪ સિનિયર કલાર્કને બદલે ૮ સિનિયર કલાર્ક, ૭૯ જુનિયર કલાર્કને બદલ ૯ જુનિયર કલાર્ક, ૬૮ પટાવાળાને બદલ ૮ પટાવાળા, રર૩ તેડાગર-વોચમેનને બદલે ૬૬ તેડાગર-વોચમેન અને ૩૮૧ પાણી પાનારને બદલે ર૩૯ પાણી પાનાર ફરજ બજાવે છે એટલે કે કુલ ૭૭પના મંજૂર મહેકમ હોવા છતાં માત્ર ૩૩૦ કર્મચારીની નિમણૂક કરાઇ હોઇ ૪૪પ જગ્યા ખાલી છે. આ તમામ ખાલી જગ્યા ભરાશે તો આચાર્ય, શિક્ષકો પરનું કામનું ભારણ ઘટશે, જોકે તંત્ર અને શાસકો ઇરાદાપૂર્વક તેમ કરતા ન હોઇ માસૂમ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સામે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યએ કર્યો હતો. અમ્યુકો સત્તાવાળાઓએ મંજૂર મહેકમ મુજબ ખાલી જગ્યાઓ ભરવાની માંગણી કરી હતી.

(10:11 pm IST)