ગુજરાત
News of Saturday, 17th November 2018

ગુજરાત સામૂહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ

ખેડૂતોને આકસ્‍મિક મૃત્‍યુ-અપંગતાના કેસમાં વીમા યોજના સહાયમાં વધારો

ગાંધીનગર , તા. ૧૭ : રાજય સરકારે ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોને આકસ્‍મિક મૃત્‍યુ કે કાયમી અપંગતાના કિસ્‍સામાં વીમા રક્ષણ આપવાની ખાતેદાર ખેડૂત અકસ્‍માત વીમા યોજનાના સહાયના ધોરણમાં વધારો કરેલ છે. આ અંગે તા. ૧૩ નવેમ્‍બર કૃષિ કલ્‍યાણ વિભાગના ઉપસચિવ રાજેન્‍દ્ર પંડયાની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે મૃત્‍યુ/કાયમી અપંગતાના કિસ્‍સામાં વીમા રક્ષણ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં આમુખ-ર ના ઠરાવથી સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવેલ જે મુજબ અકસ્‍માતને કારણે મૃત્‍યુ કે કાયમી-સંપૂર્ણ અપંગતાના કિસ્‍સામાં પ૦% લેખે રૂા. ૧,૦૦,૦૦૦/-(રૂપિયા એક લાખ) તથા એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્‍સામાં પ૦% લેખે રૂા. પ૦,૦૦૦ (રૂપિયા પચાસ હજાર) સહાયની જોગવાઇ થયેલ છે. આમુખ-૩ના ઠરાવથી ખાતેદાર ખેડૂતના પ્રથમ ક હયાત સંતાન (પુત્ર/પુત્રી)નો તથા આમુખ-પ મુજબના નાણા વિભાગના ઠરાવથી ખાતેદાર ખેડૂતના વારસદાર તરીકે પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ઉપરાંત, ખેડૂત ખાતેદારના પતિ/પત્‍નીને આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે.

સુધારા ઠરાવ :-

(૧) અકસ્‍માતને કારણે મૃત્‍યુ કે કાયમી-સંપૂર્ણ અપંગતાના કિસ્‍સામાં હવેથી નીચે મુજબની સહાય મળવાપાત્ર રહેશે.

(અ) અકસ્‍માતને કારણે મૃત્‍યુ કે કાયમી-સંપૂર્ણ અપંગતાના કિસ્‍સામાં ૧૦૦% લેખે રૂા. રઃ૦૦ લાખ (અંકે રૂપિયા બે લાખ પૂરા)

(બ) અકસ્‍માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ-પગ ગુમાવવાના કિસ્‍સામાં ૧૦૦% લેખે રૂા. રઃ૦૦ લાખ (અંકે રૂપિયા બે લાખ પૂરા)

(ક) અકસ્‍માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્‍સામાં ૧૦૦% લેખે રૂા. રઃ૦૦ લાખ (અંકે રૂપિયા બે લાખ પુરા)

(ડ) અકસ્‍માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્‍સામાં પ૦% લેખે રૂા. ૧:૦૦ લાખ (અંકે રૂપિયા એક લાખ પુરા)

(ર) આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ના બદલે ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાનનો સમાવેશ કરવામાં આવે છે. આથી હવે સદર યોજના અંતર્ગત રાજયના તમામ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્‍નીસનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવે છે.

(૩) ૧લી એપ્રિલ પહેલા ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેના બદલે મૃત્‍યુ/કાયમી અપંગતા થાય ત્‍યારે વ્‍યકિતગત કે સંયુકત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતો એટલે કે મહેસુલી રેકર્ડ પ્રમાણે ૭/૧ર, ૮-અ અને ગામ નમૂના નં-૬ (હકક પત્રક)માં અકસ્‍માતે મૃત્‍યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્‍નીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 

(3:59 pm IST)