ગુજરાત
News of Friday, 16th November 2018

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી માતાજીના ફોટાની પાછળથી બે મોબાઈલ મળી આવ્યા: ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ, ચાર સીમકાર્ડ અને મેમરી કાર્ડ મળી આવતા ચકચાર મચી છે. રાણીપ પોલીસે વિવિધ ગુનામાં જેલમાં બંધ ચાર આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત મુજબ ૧૪ નવેમ્બરના રોજ સેન્ટ્રલ જેલના જેલર ભરતસિંહ રાઠવા તેમના સ્ટાફ સાથે નવી જેલ વિભાગની ખોલી નંબર-૯માં રાખવામાં આવેલા ચાર આરોપીની ખોલીની તપાસ કરી હતી. 

 જેમાં ખોલીની અંદર ખુણામાં લાદી તોડીને દિવાલમાં સંતાડી રાખેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. તે સિવાય ચાર સીમકાર્ડ, ૧ મેમરી કાર્ડ, ૧ ચાર્જર અને પાંચ ઈંચ લાંબો અણીદાર ખીલો મળી આવ્યો હતો.

 આ અંગે કાચા કામના આરોપીઓ કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ (૪૫), બીરજુ કિશોરભાઈ સલ્લા (૩૭), અમિત સુરેશભાઈ ભટનાગર (૪૮) અને સુમીત સુરેશભાઈ ભટનાગર (૪૫) નો સમાવેશ થાય છે.

 રાણીપ પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધીને આ મોબાઈલ તેમણે ક્યાંથી મેળવ્યા તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 પોલીસે બન્ને મોબાઈલ અને સીમકાર્ડ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. તે સિવાય આ મોબાઈલનો તેમણે ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)