ગુજરાત
News of Sunday, 17th October 2021

હર્ષ સંઘવીએ કહ્યું-હું જન્મથી જૈન છું પણ આપણા મુખ્યમંત્રી સ્વભાવે જૈન : સી.આર .પાટીલે સીએમને બહુ ભોળા ગણાવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે સરકારને જ્યાં લોકોની પડખે ઉભા રહેવાનું હશે ત્યાં ઉભા રહીશું. જ્યાં સુધી પીએમ મોદી હશે ત્યાં સુધી વિકાસના કામ નહીં અટકે.

અમદાવાદ :  રાજ્યમાં નવી સરકાર સતત કામગીરીમાં વ્યસત છે. મુખ્યમંત્રી પણ સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ નીતિ વિષયક નિર્ણય લઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ભાઈ પટેલ સતત કામગીરીમાં વ્યસ્ત રહેતા પાર્ટી પ્રમુખ અને મંત્રીમંડળના સભ્યો પણ તેમના વખાણ કરી રહ્યા છે

આ સાથે જ સુરતમાં આયોજિત જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કાર્યક્રમમાં ગૃહ    

   રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે હું જન્મથી જૈન છું પણ આપણા મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે. તથા ભૂપેન્દ્રભાઈ  પટેલ સરકાર રાજ્યમાં સારી કામગીરી કરતી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું. હર્ષ સંઘવીએ કહ્યું કે, હું મંત્રી ભલે બન્યો પણ અહીં શીખવા આવ્યો છું. ભૂપેન્દ્રભાઈ  પટેલ સરકાર ખૂબ સરસ કામગીરી કરી રહી છે. જૈન સમાજ ઉપાશ્રયો સાથે શિક્ષણ સંકુલ-દવાખાના પણ બનાવે છે. 

આ અગાઉ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાની બોટાદ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તથા તેઓ સ્વભાવે ભોળા છે તેમ તેમને જણાવ્યુ હતું. પાટીલે કહ્યું હતું કે, CM બહુ ભોળા છે, ઘણીવાર અમારે એમને ચેતવવા પડે છે કે સામેવાળાથી સાચવવા જેવું છે.

   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે જનતાના કામ કોઈ જ પ્રકારનો વિલંબ ન કરવામાં આવે. જો લોકોનુ કામ ન થાય તો પહેલાથી જ ના પાડી દેવી. કામ ન થાય તો મોઢે જ કહી દેવાનું. જો કામ ન થાય એમ હોય તો પહેલા દિવસે ન થાય. જે કામ 2 વર્ષે થતુ હોય તો પહેલા દિવસે કેમ ન થાય. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નીતિ નિયમ બતાવીને કોઈને હેરાન ન કરવો. નીતિ નિયમોમાં શબ્દોની મારામારી હોય તો શબ્દો જ સુધારી નાખીએ. CM ભૂપેન્દ્ર પટેલે લોકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી છે. તેઓએ કહ્યું કે સરકારને જ્યાં લોકોની પડખે ઉભા રહેવાનું હશે ત્યાં ઉભા રહીશું. જ્યાં સુધી PM મોદી હશે ત્યાં સુધી વિકાસના કામ નહીં અટકે.

(7:05 pm IST)