એમ્પ્લોયમેન્ટ સર્વિસના નામે ભરતીની જાહેરાત બનાવટી
વાયરલ થયેલા મેસેજ સત્યથી વેગળા : ઉમેદવારો બનાવટી ભરતી જાહેરાતનાં પ્રલોભનમાં આવી છેતરાય નહી તે માટે રોજગાર-તાલીમ કચેરી દ્વારા તાકીદ
અમદાવાદ,તા.૧૫ : ગુજરાત એમ્પલોયમેન્ટ સર્વિસના નામે સરકારી નોકરીની ભરતી સંદર્ભે બનાવટી જાહેરાત પ્રસિદ્ધ કરી રાજ્યના નોકરી વાંચ્છુ ઉમેદવારોને છેતરવાં માટેના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇને આ સંદર્ભે ઉમેદવારો જોગ જરૂરી સ્પષ્ટતા કરી છે કે આવી કોઇ ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી નથી. રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા પણ રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ કરવામાં છે.
તા.૧૫મી ઓકટોબર-૨૦૨૦ના રોજ વિવિધ દૈનિક વર્તમાનપત્રોમાં દ્વારા સીધી ભરતી માટેની જાહેરાત શિર્ષક હેઠળ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી. જેમાં કોવિડ-૧૯ના અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓ માટે ૨૫૨૦ જગ્યાઓ હોવાનો ઉલ્લેખ કરીને તે માટે ૩૦૦/-ની ફી સાથે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યના તમામ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને આ લોભામણી જાહેરાતના પ્રલોભનમાં ન ફસાઈ, તે અંગે કોઈ પણ પ્રકારની અરજીની પ્રક્રિયા હાથ ન ધરવા અને સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.