ગુજરાત
News of Thursday, 17th October 2019

છાપી હાઇવે પર ટેન્કરમાંથી ઓઇલ ચોરીની પ્રવૃત્તિને ડામવા માટે મોટાપાયે ચેકીંગ હાથ ધરાયુ: ફરજમાં બેદરકારી દાખવતા પીએસઆઇ સહીત 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

છાપી: હાઈવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર ટેન્કરોમાંથી ઓઈલ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા ભુજ રેન્જ આઈજી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેથી છાપી પોલીસ સહિત એલસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જોકે રેડ દરમિયાન કંઈ હાથ લાગતા રેડ નિલ બતાવવામાં આવી હતી. દરમિયાન છાપી પોલીસે સોમવારે રાત્રે તેનીવાડા હાઈવે ઉપર આવેલ મહાદેવ હોટલના માલીકના ઘરના વાડામાંથી 385 કિલો દિવેલ (કિંમત 38500) ઓઈલનો જથ્થો ઝડપી પાડયો હતો. દરમિયાન આરઆર સેલે ભુજ દ્વારા મહાદેવ હોટલના કંપાઉન્ડના ટેન્કરમાંથી દિવેલનો જથ્થો ચોરી કરતા બે ઈસમોને રંગેહાથ ઝડપી ટેન્કરમાંથી ઓઈલ ચોરીના ષડયંત્રનો પર્દાફાશ કરતા રૃા. 44લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા છાપી પીએસઆઈ આઈ.એચ. હિંગોરાએએસઆઈ ગણપતભાઈ ભીખાભાઈપીસી ધીરેનભાઈ હીરાભાઈ તેમજ પીસી મહેશભાઈ હરભાઈ સહિત એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ મોહનસિંહ ભીખાજી તેમજ ખુમાજી રામાજીને તેઓની ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. છાપી પીએસઆઈ સહિત પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસબેડામાં ચણભણાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

(5:40 pm IST)