ગુજરાત
News of Thursday, 17th October 2019

કોંગ્રેસના ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરના કથિત સમર્થકોનો હંગામો : રસોઈઘરમાં તોડફોડ : થાળીઓ ઉલાળી

સભાની પાસે જ કોંગ્રેસ મુર્દાબાદ અને અલ્પેશ ઠાકોર જિંદાબાદના નારા લગાવ્યા

રાધનપુરની પેટા ચૂંટણી ખરાખરીનો જંગ બની છે. એક તરફ અલ્પેશ ઠાકોર લોકોને પોતે મંત્રી બનવાના છે અને તેમના કામો મંત્રી બનીને ઓર્ડર કરશે તેવા નિવેદનો કરી મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અલ્પેશ અને તેના પિતા પર ગંભીર આક્ષેપો કરીને મતદારોને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરે છે

 સમી તાલુકાના વરણા ગામે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું જેમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો તથા નેતાઓએ હાજરી આપી હતી. આ સંમેલન દરમિયાન કોંગ્રેસ દ્વારા અલ્પેશ અને તેના પિતા પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સાથે જ કાર્યક્રમ દરમિયાન કથિત રીતે અલ્પેશ ઠાકોરના સમર્થકો દ્વારા ઉહાપોહ કરાયો હતો અને કાર્યક્રમની બાજુમાં ચાલતા રસોઈઘરમાં તોડફોડ કરી થાળીઓ ઉલાળાઈ હતી.

આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરે સમાજના રૂપિયા ઉઘરાવ્યા છે તેથી સમાજ તેને ક્યારેય માફ નહીં કરે. પૂર્વ સાંસદ જગ્દીશ ઠાકોરે કહ્યું કે, સમાજ સમક્ષ સદારામ બાપા અને તેમના દિકરાના ખોટા સમ ખાઈને સમાજ સાથે ખુટ્ટલ વેળા કર્યા છે સમાજ તેનો બદલો લેશે. અમને ઠાકોર સેનાથી વેર નથી પણ અલ્પેશ ઠાકોર તારી ખેર નથી.

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, તમે મને જગામાંથી જગદીશ ઠાકોર બનાવ્યો છે. અમે અલ્પેશને કેડમાં બેસાડ્યો, પછી ખભે પછી માથે.. પરંતુ અલ્પેશે છેવટે શું કર્યું?

  ભરતસિંહ સોલંકીએ દારૂ બંધી બાબતે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલાની પાછળ ગાંધીનગરમાં દારૂ વેચાય છે. તે પહેલા બંધ કરાવી દે પછી દારૂ બંધીની પ્રજા સામે મોટી મોટી વાતો કરે. આમ તેમના બંગલાની પાછળ દારૂનુ વેચાણ થાય છે અને પાછા ગુજરાતની અસ્મિતાની વાતો કરશે.

આ સભા દરમિયાન ઠાકોર સેનાના કથિત કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને સભાની પાસે જ કોંગ્રેસ મુર્દાબાદ અને અલ્પેશ ઠાકોર જિંદાબાદના નારા લગાવ્યા હતા. ઉપરાંત આ શખ્સો દ્વારા કાર્યક્રમ પાસે ચાલતા રસોડામાં કે જ્યાં સભામાં આવનાર લોકો માટે જમવાનું બનાવાયું હતું તે સ્થળ પર તૂટી પડી તોડફોડ કરાઈ હતી અને થાળીઓ ઉછાળી રસોઈનો બગાડ કર્યો હતો.

(12:29 pm IST)