ગુજરાત
News of Thursday, 17th October 2019

નડિયાદ તાલુકાના ચલાલીમાં ઉછીના પૈસા બાબતે થયેલ ઝઘડામાં નશાની હાલતમાં પોલીસ ફરિયાદ નોંધાવવા ગયેલ શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ: તાલુકાના ચલાલીમાં ઉછીના નાણાં બાબતે થયેલા ઝઘડામાં ચાર ઈસમોએ ભેગા મળી એક દંપતીને માર માર્યો હતો. જો કે માર ખાનાર દંપતી પૈકી ઈસમે દારૂ પીને ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે સૌપ્રથમ તેની સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કરી ધરપકડ કરી હતી. જામીન પર છૂટ્યાં બાદ પોલીસે માર ખાનાર ઈસમની ફરિયાદ લઈ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ચલાલીમાં શક્તિનગર વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ મંગળભાઈ તળપદા ગત તા.૧૧ ઓકટો.ના રોજ રાત્રીના દશ વાગ્યાના અરસામાં ગામમાં આંટો મારવા નીકળ્યાં હતાં. તે વખતે નડિયાદ તાલુકાના સુરાશામળ તાબે મહુડીયાપુરા સીમ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ પ્રભાતભાઈ તળપદા, જગદીશભાઈ ઉર્ફે ગગુ કનુભાઈ તળપદા, રમણભાઈ ઉર્ફે ટીનો કનુભાઈ તળપદા અને ભોલાભાઈ રાજુભાઈ તળપદાએ ત્યાં આવી પહોંચીને,ગાળો બોલી મારા ઉછીના રૂપિયા ક્યારે આપીશ તેમ કહી વિનોદભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. વિનોદભાઈએ રૂપિયા આપવાની બાંહેધરી આપી હોવા છતાં ચારેય ઈસમો તેને માર મારી રહ્યાં હતાં. આની જાણ વિનોદભાઈના પત્ની ટીનીબેનને થતાં તેઓ તાત્કાલિક ત્યાં દોડી આવી છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. જો કે ચાર ઈસમો પૈકી રમણભાઈ તળપદાએ ટીનીબેનના પગમાં ડંડા મારી ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ત્યાં એકત્રિત થઈ જતાં ચારેય ઈસમો વિનોદભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યાં હતાં.

(8:52 am IST)