ગુજરાત
News of Wednesday, 17th October 2018

નડિયાદમાં ખોડિયાર ગરનાળા નજીક પ્રેમિકાના પતિની હત્યાનો ભેદ ઉકેલાયો

નડિયાદમાં: ખોડિયાર ગરનાળા નજીક ગત તારીખ ૨૯-૮-૧૮ ની રાત્રીના સવા દશ કલાકે પ્રેમીકાના પતિને તી-ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ પોલીસે હત્યારાને પકડી પાડ્યો હતો. આ બનાવમાં મરનારની પત્ની પણ જવાબદાર હોઈ તેની સામે પણ હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેવી માંગ મરનારના પિતાએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. 

 


આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં નવા ગાજીપુર વિસ્તારમાં રહેતાં નૌશાદ હુસેનમીયાં મલેકની પત્નીને આ વિસ્તારમાં રહેતાં અબ્દુલકાદર કાલુમીયાં મલેક સાથે આડા સબંધ થઈ ગયાં હોઈ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જેથી તે તેના પતિ નૌશાદ સાથે છૂટાછેડા માંગતી હતી. નૌશાદે છૂટાછેડા ના આપતાં બંને વચ્ચે ઝઘડા ચાલતાં હતાં. ગત તારીખ ૨૯-૮-૧૮ ની રાત્રિએ ૧૦:૧૫ કલાકે નૌશાદની હત્યા કરી નાંખવામાં આવી હતી. 

જિલ્લા પોલીસ અધિક્ષક, નડિયાદ ટાઉન પોલીસ અને ગૃહમંત્રીને હુસેનમીયાં રસુલમીયાં મલેકે લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મારી પુત્રવધૂને અબ્દુલ કાદર સાથે આડા સબંધ હોઈ પતિપત્ની વચ્ચે આ બાબતે ઝઘડા થતાં હતાં. અને મારી પુત્રવધૂ મારા પુત્રને ધમકી પણ આપતી હતી. તલાક નહી આપુ તો જોઈ લઈશ તેવું કહેતી હતી. બનાવના દિવસે રાત્રે સાડા આઠ કલાકે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મારો પુત્ર અબ્દુલ કાદરને ઠપકો આપવા ગયો તે વખતે મારી પુત્રવધૂ એ અબ્દુલકાદરને ફોન કરી એલર્ટ કર્યો હતો. જે વાતચીત મોબાઈલ રેકોર્ડમાં હશે. મોબાઈલ કંપની માંથી રેકોર્ડિંગ કઢાવવામાં આવે તો શુ વાત થઈ તે જાણી શકાય. જો કે પોલીસે આ મોબાઈલ પણ કબજે લીધો નથી. પોલીસ રેકોર્ડિંગ કઢાવે તો મરનારની પત્ની જવાબદાર હોવાના પુરાવા મળે. માટે આવા પુરાવા ભેગા કરી મરનારની પત્ની ને પણ હત્યાના ગુનો નોંધી કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. બનાવના આટલા દિવસ બાદ પણ પોલીસે ફરિયાદી કે તેમના ઘરવાળાના નિવેદનો લીધા નથી. તેઓ પણ આક્ષેપ આ રજૂઆતમાં કર્યો છે. નડિયાદ ટાઉન પીઆઈ પરમારને પૂછતાં હજી આવી રજૂઆત મારા સુધી આવતી નથી. આવશે તો આ બાબતે તપાસ કરાવીશું તેવું જણાવ્યું હતું.

(5:03 pm IST)