ગુજરાત
News of Friday, 17th September 2021

વડોદરા નજીક પાર્ક કરેલ કારના કાચ તોડી સીએનજી કીટના ગેસ બોટલની ચોરી કરનાર ટોળકીને પોલીસે રંગે હાથે ઝડપી પાડી

વડોદરા: શહેર નજીક પોર ખાતે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી પાંચ કારના કાચ તોડી સીએનજી કીટના ગેસ બોટલની ચોરી સમયે ત્રાટકેલી વરણામાં પોલીસે  તસ્કરને રંગેહાથ ઝડપી પાડી કાર સાથે ફરાર થઈ ગયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા તાલુકાના પોર ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા યજ્ઞેશભાઇ પટેલે પોતાની વેગન આર કાર શિવ કોમ્પલેક્ષ  નજીક પાર્ક કરી હતી. બીજા દિવસે તેમની કારનો કાચ તૂટેલો હોય તપાસ કરતા કારમાંથી રૂપિયા 20000ની કિંમતનો  સીએનજી કીટનો ગેસ બોટલ ચોરી થયાનું બહાર આવ્યું હતું. આજુબાજુ તપાસ કરતા નજીકમાં આવેલા એવન ગેરેજ  તથા બજરંગ સર્વિસ ખાતેથી પણ અજાણ્યા તસ્કરોએ 4 કારના કાચ તોડી સીએનજી કિટના ગેસ બોટલ કાઢી કારની બહાર મુક્યા હતા. દરમિયાન નાઈટ પેટ્રોલીંગ સમયે નીકળેલી પોલીસને જોતા સિલ્વર એસેન્ટ કાર લઈ આવેલા તસ્કરોએ ગેસ બોટલ છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસે પીછો કરતા ચોરીનો ગેસ બોટલ ફેંકી નાસતા સૂફીયાન મહેબૂબ ઇસ્માઇલવાલા ( રહે - મોહમદી સો., વેજલપુર રોડ, ગોધરા ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તેણે મિત્ર ઉવેશ ઇકબાલની કારમાં ચોરીનો પ્લાન ધડયો હોવાનું જણાવતા પોલીસે ઉમેશ ઇકબાલ ( રહે - ઇદગાહ મ્હોલ્લોગોંદરા સર્કલ પાસે, ગોધરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(6:20 pm IST)