ગુજરાત
News of Friday, 17th September 2021

ગણેશ પંડાલ બન્યું ડાન્સ બારઃ બાપ્પાની મૂર્તિ સામે જ મહિલાઓએ અશ્લીલ ઠુમકા લગાવ્યા

પારડી પોલીસે રેડ પાડીને અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત ૯ લોકોની અટકાયત કરી છે

વલસાડ, તા.૧૭: દેશભરમાં અત્યારે ભકિતભાવપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભકતો ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે કેટલાક એવા પણ તત્વો છે જેઓ આ પવિત્ર તહેવારમાં દૂષણ ફેલાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ગણેશ મહોત્સવમાં રેડ પાડીને અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત ૯ લોકોની અટકાયત કરી છે.

સમગ્ર રાજયમાં ગણેશભકતો પોતાના ઘરે ગણપતિ સ્થાપન કરી બાપાની પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પણ ગણેશ પર્વનું અનોખું મહત્વ છે. મહારાષ્ટ્રને અડીને આવેલા આ વિસ્તારમાં મોટાપાયે ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં નાના મોટા અનેક ગણેશ મંડળો આવેલા છે અને દરેક મહોલ્લામાં લોકો ગણપતિના મંડપ પણ બનાવે છે અને આ ગણપતિના પંડાલમાં ગણપતિનું સ્થાપન કરે છે. ત્યારે પારડી પોલીસને મળેલી બાતમી મુજબ, બાલદાના એક ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ પંડાલમાં મહિલા ડાન્સર્સ બોલાવવામાં આવી હતી અને તેમના પર રૂપિયા ઉડાવવામાં આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પારડી પોલીસ પૂરી તૈયારી સાથે અડધી રાત્રે આ ગણેશ મહોત્સવમાં ત્રાટકી હતી. એ વખતે અશ્લીલ ફિલ્મી ગીતોની ધૂન પર બે મહિલા ડાન્સર્સ ગંદા ઈશારા કરી અને વિઘ્નહર્તાની મૂર્તિ સામે જ પંડાલમાં અશ્લીલ ડાન્સ કરી રહી હતી. આ વખતે સ્થળ પર ૨૦૦ થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. પારડી પોલીસે ઈશ્વર નગરના રાજા નામના આ ગણેશ મહોત્સવમાં રેડ કરી અશ્લીલ ડાન્સ કરતી બે મહિલાઓ સહિત ૯ વધુ લોકોની અટકાયત કરી છે.

ભકિતના નામે એકઠી થયેલી આ ભીડમાં કેટલાક લોકો અશ્લીલ ડાન્સ કરી રહેલી મહિલા ડન્સર્સ પર રૂપિયા ઉડાવી રહ્યા હતા. આથી આ ગણેશ પંડાલ ગણેશ મહોત્સવનું પંડાલની જગ્યાએ ડાન્સ બાર લાગી રહ્યું હતું. જોકે એવા સમયે પારડી પોલીસનો કાફલો પૂરી તૈયારી સાથે ત્રાટકતા થોડા સમય સુધી સ્થળ પર દોડધામ મચી ગઇ હતી. લોકો પોલીસથી બચવા માટે ભાગમભાગ કરી મૂકી હતી. જેથી અફરાતફરીના આ માહોલમાં ગણેશ પંડાલમાં ખુરશીઓ પણ તૂટી ગઈ હતી અને સામાન પણ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. પારડીના બાલદાની ઈશ્વર નગર સોસાયટીમાં મોતીલાલ શર્મા નામના એક બિલ્ડર પુત્રએ આ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું. જોકે  આ ગણેશ પંડાલમાં બાપાની પૂજા અર્ચના કરી ભકિત ભાવપૂર્વક પ્રાર્થના કરવાને બદલે બે નર્તકીઓને બોલાવી તેમની અશ્લીલ ચેનચાળા નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં ૨૦૦થી વધુ લોકોને ભેગા કરી અશ્લીલ નૃત્ય પર રૂપિયા ઉડાવવાની બેશરમ પ્રવૃત્તિ ધાર્મિકતાની આડમાં ચાલી રહી હતી.

કોરોનાની મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી તેમની પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ગણેશજીની સ્થાપનાની આડમાં ગેરકાનૂની પ્રવૃત્ત્િ। અને અશ્લીલ હરકતો કરતા પણ ક્ષોભ અનુભવતા નથી. મહત્વપૂર્ણ છે કે, કેટલાક સમયથી ધાર્મિક તહેવારોમાં ફિલ્મી ગીતોની ધૂન પર અશ્લીલ ડાન્સ અને ગણેશ પંડાલોમાં પણ જુગાર રમવાનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે ધાર્મિકતાની આડમાં થતાં આવા અશ્લીલ આયોજનોને કારણે ભકતોની લાગણી દુભાઈ રહી છે. ત્યારે આવા આયોજનો પર રોક લગાવીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

(4:06 pm IST)