ગુજરાત
News of Thursday, 17th September 2020

આત્મનિર્ભર ભારતની પ્રક્રિયામાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં રાજયની યુનિવર્સિટીઓ નિર્ણાયક ભૂમિકા ભજવે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજયની ખાનગી યુનિવર્સિટીઓના ટ્રસ્ટીઓ સાથે શિક્ષણમંત્રીનો વેબિનાર દ્વારા સંવાદ

રાજોકટ,તા.૧૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનું જયારે આહવાન કર્યુ છે ત્યારે તેમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવે તે માટે રાજયની યુનિવર્સિટીઓ ઈનોવેશન વર્કને મહત્વ આપીને વધુમાં વધુ Inovasion Intellctual Property Rights (IPR) અને Patent File તૈયાર કરવા શિક્ષણમંત્રી   ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આહવાન કર્યુ છે. ગઇકાલે ગાંધીનગર ખાતે રાજયની ખાનગી યુનિવર્સિટીઓના ટ્રસ્ટી અને પ્રોવોસ્ટના વેબિનારમાં સંબોધન કરતાં  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણા સૌના સહિયારા પ્રયાસોના કારણે આપણે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનમાં દેશમાં પ્રથમ સ્થાને આવેલા છીએ ત્યારે આ સ્થાન આગામી સમયમાં પણ ટકાવી રાખી વિશ્વના રેકીંગમાં સ્થાન મેળવવા આપણે સંકલ્પ કરવાનો છે.આ વેબિનારમાં ગણપત યુનિવર્સિટીના ટ્રસ્ટીએ અમેરિકાથી જોડાઇને સંવાદમાં ભાગ લીધો હતો અને ખાસ કરીને સ્ટાર્ટઅપમાં સતત બીજા વર્ષે ગુજરાતે સ્થાન મેળવવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓએ સમાજના ઉત્સાહી યુવા ભાઇ-બહેનોને ઈનોવેશન કામમાં પ્લેટફોર્મ મળે તે રીતે યુનિવર્સિટીઓએ આયોજન કરવું પડશે. ઉપરાંત દરેક યુનિવર્સિટી નવીનતમ સ્ટાર્ટઅપ અને IPR પર નવા અભ્યાસક્રમો દાખલ કરે. દરેક યુનિવર્સિટી દર વર્ષે શ્રેષ્ઠ સંશોધનકારો, ઈનોવેશન અને વિધાર્થીઓને તેમના વિચારોને સ્ટાર્ટઅપમાં બદલવા માટે મેડલ અને પ્રસંશા પુરસ્કારો આપે. ઈનોવેશ, IPR અને સ્ટાર્ટઅપ પર ફેકલટી સભ્યોને તાલીમ આપવાનું આયોજન કરે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, રોજગાર આપવાની સૌની વધારે ક્ષમતા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં જ છે. આપણું સુત્ર છે કે આપણો યુવાન રોજગાર આપનાર બને નહીં કે રોજગાર માંગનાર, આ વાતને સાકાર કરવા માટે આગામી દિવસોમાં શિક્ષણ, ઉદ્યોગ, વિજ્ઞાપન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા સંયુકત વેબિનારનું આયોજન કરવામાં આવશે.

(3:35 pm IST)