ગુજરાત
News of Tuesday, 17th September 2019

આંકલાવ તાલુકાના નારપુરામાં સગીરાને ભગાડી જવાના આરોપમાં અંદર ગયેલ આરોપી બોરસદની સબજેલમાંથી ફરાર

આંકલાવ:તાલુકાના નારપુરા ગામના હડિયાભાગમાં રહેતો જયેશભાઈ ભરતભાઈ સોલંકી સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે આંકલાવ પોલીસે તેની ધરપકડ કરીને ૧૧મી તારીખના રોજ બોરસદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજે સવારના સાતથી આઠ વાગ્યા સુધી કેદીઓની રીશેષ હોય તમામ કેદીઓને બહાર કાઢ્યા હતા. દરમ્યાન ગત જેલ ગાર્ડ પર તૈનાત અહેસાનમીંયા સાથી પોલીસ જવાનો માટે બાઈક લઈને ચ્હા લેવા માટે ગયો હતો. આઠેક વાગ્યાના સુમારે રીશેષ પુરી થતાં તમામ કેદીઓ બેરેકમાં પરત ફર્યા હતા. દરમ્યાન ચ્હા લઈને આવેલા અહેસાનમીંયાએ હોર્ન મારતાં જયેશભાઈ સોલંકીએ સબજેલના દરવાજેથી જોતાં અહેસાનમીંયા હોય તેમણે ગાર્ડ ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈનો જમાદાર છે તેમ કહેતા જ તેમણે ચાવી આપી દરવાજો ખોલવાનું કહ્યું હતું. જયેશ સોલંકીએ દરવાજો ખોલતા જ અહેસાનમીંયા બાઈક લઈને અંદર પ્રવેશ્યા એ સાથે જ ખુલ્લા દરવાજામાંથી જયેશ સોલંકી ફરાર થઈ ગયો હતો.

ફરજ પરના પોલીસ જવાનો તેની પાછળ પડ્યા હતા પરંતુ એક આયશર ટેમ્પો વચ્ચે આવી જતાં તે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો સબજેલ પર ઘસી આવ્યો હતો અને ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા જયેશને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:28 pm IST)