ગુજરાત
News of Monday, 17th September 2018

કેન્‍દ્ર સરકારે ગુજરાતમાં જળાશયોની સ્થિતિની માહિતી માંગી પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી માહિતી ન અપાઇ

અમદાવાદઃ પાછલા અઢી વર્ષથી યૂનિયન મિનિસ્ટ્રી ઓફ વોટર રિસોર્સિસ દ્વારા ગુજરાત સરકારને સતત રિમાઈન્ડર મોકલવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. મિનિસ્ટ્ર તરફથી ગુજરાત સરકાર પાસેથી રાજ્યના તળાવો અને પાણીના અન્ય સ્ત્રોતોની વર્તમાન સ્થિતિની માહિતી માંગવામાં આવી છે.

રાજ્ય સરકારના આંકડા અનુસાર 2005માં 44138 તળાવો હતા, અને સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જળાશયોમાં સુધારાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્રના જળસ્ત્રોત અને નદી-વિકાસ મંત્રાલયના સચિવ શશી શેખરે રાજ્ય સરકારને રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના જળસ્ત્રોતો પર થયેલા દબાણ, કેટલા તળાવ સુકાઈ ગયા છે? વગેરે જાણકારી માંગી હતી.

રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે લિસ્ટ તૈયાર છે પરંતુ અમે કેન્દ્રીય ખાતાને હજી જવાબ નથી આપ્યો. તેમણે જણાવ્યું કે 2005માં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વડોદરાના બાપોદ વિસ્તારમાં 38 તળાવ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે, જ્યારે 26 સુકાઈ ગયા છે, 11 તળાવ પર રોડ બની ગયા છે, જ્યારે 3 તળાવો પોલીસ હાઉસિંગ, જિલ્લા પંચાયતના હાઉસિંગ અને સરદાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, સુરતના શહેરી વિસ્તારમાં 330 તળાવો હતા જ્યારે અમદાવાદમાં 61 અને રાજકોટમાં 9 તળાવો હતા. ઉલ્લેખનીય છે કે મે, 2018માં વડોદરાના પિટિશનર જિગ્નેશ પંડ્યાએ હાઈકોર્ટમાં PIL ફાઈલ કરી હતી, જેમાં EWS હાઉસિંગ માટે તાંદલજાના જળાશય પર કરવામાં આવતી કામગીરી પર સવાલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2005માં અર્બન ડેવલોપમેન્ટ વિભાગના રાજ્યના મુખ્ય સચિવ બી.કે.સિન્હાએ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરીને TP સ્કીમ તૈયાર કરતી વખતે આ જળાશયોને ધ્યાનમાં લેવાની અને શહેરી વિસ્તારના જળાશયો વરસાદના પાણીથી ભરાય તે સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. પરંતુ આજની તારીખ સુધી, અર્બન ડેલવોપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં તળાવોની સ્થિતિ વિષે રિપોર્ટ તૈયાર નથી કર્યો.

(6:11 pm IST)