ગુજરાત
News of Monday, 17th September 2018

વીએસમાં નવી હોસ્પિટલનું નિર્માણ હવે પૂર્ણતાના આરે

વિજય રૂપાણી પણ નિરીક્ષણના ભાગરુપે પહોંચ્યા : ૫૮૨ કરોડના ખર્ચથી તૈયાર હોસ્પિટલનું વર્ષ ૨૦૧૯માં મોદીના હસ્તે લોકાર્પણ : વિશ્વ કક્ષાની તબીબી સેવા મળશે

અમદાવાદ,તા.૧૬ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૫૮૨ કરોડની સહાયથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરની નિરીક્ષણ મૂલાકાત કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામી રહેલું આ અદ્યતન આરોગ્યધામ રાજ્યભરના ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓ-પરિવારોને શ્રેષ્ઠતમ સારવાર સુવિધા સરળ અને રાહત દરે પૂરી પાડશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ શહેરની સૌથી ઊંચી એટલે કે ૭૮ મીટર ઊંચી આ હોસ્પિટલની ઈમારત ૧૭ માળની છે. તેમાં તત્કાલ જરૂરિયાતના સમયે દર્દીને વહેલાસર પહોંચાડવા માટે ૧૮માં માળે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ અત્યાધુનિક અને વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી હોસ્પિટલ પૂર્ણતાના આરે છે. આગામી જાન્યુઆરી-૨૦૧૯માં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આ પ્રકલ્પનો લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીએ હોસ્પિટલના ઓપીડી, ઓપરેશન થિયેટર, હેલિપેડ સહિતના વિવિધ વિભાગોની નિર્માણ હેઠળની સુવિધાઓ બારીકાઈથી નિહાળી હતી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ હોસ્પિટલની વિશેષતાઓની વિગતો આપતા જણાવ્યું કે, ૧૫૦૦ પથારીની અહિં ક્ષમતા છે. એટલું જ નહીં ૧૩૯ આઈ.સી.યુ. બેડ્સ, ૩૨ ઓપરેશન થિયેટર, બાળકો માટે નિયોનેટલ કેર વોર્ડ્સ અને ન્યૂમેટિક ટયૂબ દ્વારા એક માળથી બીજા માળ કે વોર્ડમાં દર્દીના બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાઓની હેરફેર સુવિધા ખાનગી હોસ્પિટલ સમકક્ષ વિકસાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ૧.૪૯ લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થઈ રહેલી આ હોસ્પિટલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ટી.બી. ઉપરાંત કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી જેવી સુપર સ્પેશ્યાલિટીથી સજજ છે.

(9:10 pm IST)