ગુજરાત
News of Friday, 17th August 2018

અમદાવાદમાં ભારે વરસાદઃ શહેર જળબંબાકારઃ ૫II ઇંચ

અમદાવાદ શહેરમાં વ્હેલી સવારથી દે ધનાધનવાળી... : હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો : અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી : વૃક્ષો ધરાશાયી : રાજયના ૫૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : ગાંધીનગરમાં ૨II ઈંચ : ૭૨ કલાકમાં ભારે વરસાદની આગાહી :વચ્ચે રાજયમાં વરસાદી માહોલ : હવામાન વિભાગે તા.૧૭ થી ૧૯ ઓગષ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે

રાજકોટ, તા. ૧૭ : બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર - ગુજરાતમાં લગભગ શહેરોમાં વરસાદ ચાલુ થયાનું જાણવા મળે છે. જયારે અમદાવાદ શહેરમાં આજે સવારથી બપોર સુધીમાં ૫II ઈંચ પાણી પડી ગયુ છે. તો ગાંધીનગરમાં ૨II ઈંચ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે પણ ઝરમર ચાલુ છે.

ગાંધીનગર શહેર અને જીલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક મહિનાના વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા સમગ્ર શહેરમાં તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. ગાંધીનગર શહેર અને જીલ્લામાં ચોમાસા બાદ આ રીતે ત્રીજી વખત મુશળધાર વરસાદ વરસતા નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જયારે સમગ્ર જીલ્લાના ખેડૂતોને તેમના ઉભા પાકને જીવતદાન મળતા ખુશી વ્યાપી ગઈ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે ઘણા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે રાજયના ૫૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવા પામ્યો છે.

દરમિયાન અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદની શરૂઆત થઇ હતી. ગાજવીજ સાથે જોરદાર વરસાદના કારણે સવારમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારમાં ઓફિસ જતી વેળા લોકો મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારોમાં અટવાઇ પડ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસથી ભારે વરસાદ જામ્યો હતો. ગાજવીજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. જો કે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા લોકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ સિઝનમાં અમદાવાદમાં નહીંવત સમાન વરસાદ થયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારમાં વરસાદની શરૂઆત થઇ હતી. જે વિસ્તારોમાં સવારમાં ભારે વરસાદ થયો હતો તેમાં એસજી હાઇવે, વેજલપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજ પાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણિનગર, લાણીલીમડા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરમાં સવારમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાણી ફરી વળ્યા  હતા.

આ લખાય છે ત્યારે બપોરે બે વાગ્યા સુધીમાં ૫II ઈંચ વરસાદ પડી ગયો છે અને ધીમી ધારે હજુ પણ ચાલુ છે.

(3:37 pm IST)