અમદાવાદના શાહીબાગમાં ડમ્પરના વહીલની નીચે આવી જતા વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત: અન્યની હાલત ગંભીર
અમદાવાદ: શહેરમાં જાહેર રોડ પર બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમાંયે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ડમ્પરની ટક્કરથી નિર્દોષ વાહન ચાલકોના મોત થયા છે. આજે સવારે શાહીબાગમાં ઘેવર સર્કલ પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જ્યાં ટયુશનમાં જઇ રહેલી એક વિદ્યાર્થિનીનું ડમ્પરના વ્હીલ નીચે કચડાઇ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શાહીબાગમાં કમળકુંજ સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટીકનો વ્યવસાય કરતા ચેતનભાઇ બળદેવભાઇ પટેલે એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમની ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૮ વર્ષની પુત્રી હેતાંશી આજે સવારે એક્ટિવા લઇને શાહીબાગમાં શુભ કોમ્પલેક્ષમાં આવેલા ટયુશન ક્લાસમાં જતી હતી તેના એક્ટિવા પાછળ ધુ્રહી નામની તેની બહેનપણી બેઠી હતી.