આણંદ શહેર પોલીસે સાંજના સુમારે ઓવરબ્રિજ નજીકથી ગુપ્ત ખાનામાં લઇ જવાતો 78 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
આણંદ: શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફે આજે સાંજના સુમારે ગામડી ઓવરબ્રીજ પાસે થઈ રહેલા વિદેશી દારૂના કટીંગ ઉપર છાપો મારીને બે થ્રી વ્હીલ ટેમ્પીના ગુપ્ત ખાનામાં લવાયેલો ૭૮૨૦૦ની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડીને પકડાયેલા એક તેમજ ફરાર થઈ ગયેલા બે શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગામડી ઓવરબ્રીજ પાસે વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની જાણ થતાં જ શહેર પોલીસનો ડી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જેમાં બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે એક શખ્સને બે થ્રી વ્હીલ ટેમ્પી સાથે ઝડપી પાડ્યા હતા અને ટેમ્પીની તલાશી લેતાં પ્રથમ દ્રષ્ટિએ કશુંય દેખાયું નહોતુ. પરંતુ ટેમ્પીના પાછળના ભાગે આવેલુ પતરું ખોલીને જોતાં તેમાંથી વિદેશી દારૂના ક્વાર્ટરીયા તેમજ બીયરના ટીન જોવા મળ્યા હતા. જે તમામ બહાર કાઢીને ગણતા ૬૫૦ જેટલા ક્વાર્ટરીયા તેમજ ૧૩૨ નંગ બીયરના ટીન થવા પામ્યા હતા જેની કિંમત ૭૮૨૦૦ જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે હિંમતભાઈ મનુભાઈ મીનામા જ્યારે ફેરા થઈ ગયેલામાં પ્રવિણભાઈ રમેશભાઈ મીનામા અને કીલેશ ઉર્ફે માંદો નન્નુભાઈ નિનામા હોવાનું ખુલવા પામ્યું હતુ.