ગુજરાત
News of Wednesday, 17th July 2019

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ પર હુમલો કર્યો : ભારે અફરાતફરી : ડોક્ટર સાથે માથાકૂટ : કાચમાં તોડફોડ

ઇમર્જન્સી સારવારમાં ફરજ બજાવતા તબીબ સાથે પણ માથાકૂટ

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ ઉપર હૂમલો કરતા ભારે અફડાતફડી મચી હતી. હૂમલો કરનાર દર્દીને રાત્રે તેના સંબંધી સારવાર અર્થે દાખલ કરી ગયા હતા. સારવાર અર્થે દાખલ દર્દીએ હોસ્પિટલના કાચ તોડી નર્સ તેમજ કર્મચારીઓ પર પણ હૂમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસને બોલાવવી પડી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં તાલુકાના રાધીવાડ ગામના ભવાનસિંહ સોલંકી (ઉ.વ.27 ) ને તેમના સંબંધી રાત્રિએ દવા પીધી હોવાનુ જણાવી સારવાર અર્થે દાખલ કરાયા હતા. ત્યારે આજરોજ સવારે નર્સ વસંતીબેન ડાભી સાથે કોઈ બાબતે રકઝક કરી હૂમલો કરતા હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી.

    દર્દીના હૂમલા અંગે ભયમાં આવી ગયેલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે દર્દી દ્વારા રાત્રિના સમયે ઈમરજન્સી સારવારમાં ફરજ બજાવી રહેલ ર્ડા.બી.ડી.ગઢવી સાથે પણ માથાકૂટ કરી હતી. તેમજ દર્દીના હૂમલા અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ર્ડાક્ટર ઉપર દર્દીના પરિવારજનોએ હૂમલો કરી દેતાં ભારતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ તબીબોએ બંધ પાળી નારાજગી દર્શાવી હતી. અને આજે ખેડબ્રહ્મામાં દર્દીએ નર્સ ઉપર હૂમલો કરતાં નારાજ હોસ્પિટલનો સ્ટાફ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં સુરક્ષા પુરી પાડવા માટે એસ.પી. ચૈતન્ય માંડલીકને રજૂઆત કરવામાં આવી હતી. દર્દીઓના હૂમલા તેમજ સિવિલની સુરક્ષા જળવાઈ રહે તે માટે તા.24-4-2019ના એક પત્ર લખ્યો હતો. જેમાં હોમગાર્ડ જવાનો પુરા પાડી સુરક્ષા આપવા એસ.પી.ને જાણ કરાઈ હતી.

(1:44 pm IST)