ગુજરાત
News of Thursday, 17th June 2021

અમદાવાદની આનંદ નિકેત સ્કૂલની દાદાગીરીનો વાલીઓનો આક્ષેપ : RTE હેઠળના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી નાખ્યા

શાળાના વોટ્સએપ ગ્રુપ માંથી વાલીઓને રિમુવ કરી દેવાયા : 28 વિદ્યાર્થીઓએ ગત વર્ષે RTE હેઠળ ઓનલાઇન પ્રવેશ અપાયો હતો

અમદાવાદ : શહેરના સેટેલાઈટની આનંદ નિકેતનસ્કૂલ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જેમાં સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. ગત વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવનાર 28 વિદ્યાર્થીઓના પ્રવેશ અચાનક રદ્દ કરી દીધા છે.જેમાં RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસ માંથી દૂર કરવામાં આવ્યા છે તથા શાળાના વોટ્સએપ ગ્રુપ માંથી વાલીઓને રિમુવ કરી દેવામાં આવ્યા છે.

 આનંદ નિકેતન શાળામાં 28 વિદ્યાર્થીઓએ ગત વર્ષે RTE હેઠળ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દ્વારા ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો.એક વર્ષ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યા બાદ બીજા ધોરણમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ કરતા વાલીઓએ આનંદ નિકેતન સ્કૂલ ખાતે હોબાળો કર્યો હતો.ગઈકાલથી સ્કૂલમાં નવા સત્રનો પ્રારંભ થયો છે.ત્યારે RTE હેઠળના વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસ માંથી દૂર કરી દેવામાં આવ્યા છે.

વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ એક વર્ષથી વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપ્યાની રસીદ નથી.RTEહેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પણ નથી આપ્યા. જ્યારે આ અંગે શાળાના સંચાલકો કઈ કહેવા માટે તૈયાર નથી.

RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવાની સત્તા શાળાને નથી. તેમ છતાં પણ સ્કૂલ દ્વારા વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાનું કરીને વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કર્યા છે.RTE હેઠળ સરકાર દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા પ્રવેશ આપ્યા બાદ ધોરણ 8 સુધી વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરી શકાતો નથી. તેવા સમયે સ્કૂલ દ્વારા અચાનક એક વર્ષ બાદ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ કરતા વાલીઓની ચિંતા વધી છે.

(11:31 pm IST)