ગુજરાત
News of Thursday, 17th June 2021

પવિત્ર જેષ્ઠ માસમાં એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ૫૦૦ કિલો જાંબુ ઠાકોરજીને ધરાવ્યા તમામ જાંબુ બાળકોને વહેંચવામાં આવ્યા.

અમદાવાદ તા. ૧૭ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ચ માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે, દર વરસે વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.

વૈષ્ણવી પરંપરા પ્રમાણે ભગવાનને ઋતુ ઋતુ પ્રમાણે ફળો ધરવામાં આવતા હોય છે. તે  પરંપરા પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી - રીબડા ખાતે ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે, ૫૦૦ કિલો જાંબુનો ફલકુટ ઘનશ્યામ મહારાજને ધરવામાં આવ્યો હતો.

આ જાંબુ વંથલી, સોરઠ, સરધાર, કોલીથડ, ગુંદાસરા, રીબ, વગેરે ગામોમાંથી મંગાવવામાં આવ્યા હતા. તમામ જાંબુ બાળકોને વહેંચવામાં આવ્યા હતા.

વિતરણ વ્યવસ્થા વેદાંતસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને બોડા પરશોત્તમભાઇએ સંભાળી હતી.

આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટી મુંબઇ નિવાસી શ્રી નવિનભાઇ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)