ગુજરાત
News of Wednesday, 16th June 2021

સુરત સિવિલ હોસ્પિટલ ખાતેની ટી. બી. નિદાન લેબોરેટરીને લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી

ગુજરાતમાં આ પ્રકારની તપાસ કરતી ફક્ત 2 લેબોરેટરી જ હતી હવે સુરતને ત્રીજી લેબોરેટરી માટે મળી માન્યતા

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ટી. બી. નિદાન લેબોરેટરી જે સમસ્ત સાઉથ ગુજરાતની એક માત્ર કલ્ચર એન્ડ ડી.એસ.ટી લેબોરેટરી છે જેને ત્રણ વર્ષના સળગ પ્રયત્નોના પરિણામે લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી છે.

આ લેબોરેટરી વિશે વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના વડા, પ્રોફેસર ર્ડો. સુમૈયા મુલ્લાએ જણાવ્યું હતું કે, ફેફસાના ટી.બી. નિદાન માટે ગળફા અને ફેફસા સિવાયના ટી.બી. રોગના નિદાન માટે એક્સટ્રા પલ્મોનરી સેમ્પલ્સનું જીનએક્સપર્ટ (સી.બી.નાટ) કરવામાં આવે છે. ગળફાના સૅમ્પલનું લિક્વિડ કલ્ચર, સોલિડ કલ્ચર અને ટી. બી.માં અપાતી દવાઓ અસર કરશે કે નહિ એ જોવા માટે ડ્રગની સેન્સિટિવિટી ટેસ્ટિંગ થાય છે, જેથી શંકાસ્પદ દર્દી કે જેમને ટી.બીમાં નિયમિત વપરાતી દવાઓ અસરકારક નથી (એમ. ડી . આર - મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ) અને નિયમિત દવા ઉપરાંત ટી.બી. જે દવા અપાય છે એ અસરકારક નથી ( એક્સ. ડી. આર.- ઍક્સટેંસીવેલી ડ્રગ રેઝિસ્ટન્ટ) એવા બધા દર્દીઓના ત્વરિત નિદાન અને સારવાર માટે ખુબ જ ઉપયોગી થશે.

ટી.બી.આઈ.આર લેબોરેટરીના ડો.વિભુતિ પટેલે જણાવ્યું કે, સમસ્ત ગુજરાતમાં આ પ્રકારની તપાસ કરતી ફક્ત 2 લેબોરેટરી જ હતી સુરતને ત્રીજી લેબોરેટરી માટે મળી છે જે સુરત શહેર, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સિવિલ હોસ્પિટલ માઈક્રોબાયોલોજી વિભાગ, સુરત માટે ગૌરવ સમાન છે.

(12:51 am IST)