ગુજરાત
News of Monday, 17th June 2019

બોર્ડ પરીક્ષામાં પાસ થયા બાદ કારકિર્દી પસંદગી ઉપયોગી છે

સિંધી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન : સિંધી સમાજ, અમદાવાદ સંસ્થા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષોેથી ધોરણ-૧૦ અને ૧૨ તેજસ્વી તારલાનું સન્માન થાય છે

અમદાવાદ,તા.૧૭ :  સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા જે છેલ્લાં ૩૦ વર્ષથી સિંધી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માનિત કરીને પ્રોત્સાહન આપે છે તેવી સિંધી સમાજ, અમદાવાદ દ્વારા આ વર્ષે પણ સિંધી સમાજના ધોરણ-૧૦ અને ૧૨માં સારા ટકે ઉર્તીણ થયેલા તેજસ્વ તારલાઓનું અનોખુ સન્માન કરાયું હતું. આ પ્રસંગે કારકિર્દી વિશેષજ્ઞ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને જીવનમાં કારકિર્દી પસંદગી અંગે બહુ મહત્વની જાણકારી અને ઉપયોગી માર્ગદર્શન પૂરા પાડયા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું એક તબકકે કાઉન્સેલીંગ પણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા ઉર્તીણ કર્યા બાદ વિદ્યાર્થીઓની કારકિર્દી પસંદગી બાબતે એ બહુ મહત્વની બાબત હોય છે અને તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગંભીરતાપૂર્વક વિચારણા કરી તેની પસંદગી કરવી જોઇએ. કારણ કે, તે જીવનમાં આગળના વિકાસ અને પ્રગતિમાં ખૂબ જ મહત્વની બની રહે છે. સંસ્થાના સેક્રેટરી અનિલ રામરખીયાણીએ જણાવ્યું હતું કે, શહેરના આશ્રમરોડ ખાતે આવેલી એચ.કે. કોલેજ હોલ ખાતે સિંધી સમાજ, અમદાવાદ સંસ્થા દ્વારા ધો-૧૦ અને ૧ર ના સાયન્સ અને કોમર્સના અમદાવાદના ટોપર્સ તેમજ સિંધી વિષયમાં ઘો. ૧ર માં સૌથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, સિંધી સમાજ, અમદાવાદ સંસ્થા ર૯ વર્ષ પહેલા શ્રી શ્યામ રામરખીયાણી દ્વારા સ્થાપવામાં આવી હતી. તેમણે સંસ્થાની શરૂઆતથી જ સંસ્થાપક સેક્રેટરી તરીકે સમાજના વિદ્યાર્થીઓને ભણતરમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપવા પ્રેરણા આપી હતી. આ વર્ષે ધો-૧૦ માં ૪૦ વિદ્યાર્થીઓ, ધો-૧ર માં ૬૧ વિદ્યાર્થીઓ અને ધો-૧૨ સાયન્સમાં ૪ વિદ્યાર્થીઓ, તેમજ ધોરણ-૧૦ અને ૧રમાં સિન્ધી મેનેજમેન્ટ દ્વારા ચલાવવામાં આવતા બે રકૂલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારંભમાં કુલ ૧૭પ જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમ્યાન સંસ્થાના સેક્રેટરી અનિલ રામરખીયાણી, નરેન્દ્ર સોમાણી (ટી.ઇ.બી. ગૃપ), લક્ષ્મણદાસ રોહિડા (એચ.સી.ફૂરસ), શ્રી નોતનદાસ હરવાણી, શ્રી ગિરધારીલાલ ભાગવાણી, ભગવાનદાસ રોચીરામ, સંસ્થા ના યુવા પ્રમુખ પારસ સુખવાણી, પૂર્વ પ્રમુખ કમલેશ સુખવાણી સહિત શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ, આચાર્યો, શિક્ષકો, સમાજીક કાર્યકરો, રાજકીય આગેવાનો તેમજ સમાજના વરિષ્ઠ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:19 pm IST)