ગુજરાત
News of Monday, 16th May 2022

અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ : વાહન ચાલકોનું મો મીઠું કરાવીને સમજાવ્યા

વાહન ચાલક ટ્રાફિક ના નિયમ નો ભંગ કરે છે તે વાહન ચાલકો નું મોં મીઠું કરાવીને તેઓને ટ્રાફિક નિયમન અંગે જાણકારી અપાઈ

અમદાવાદ :ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં કેટલાક વાહન ચાલકો છે કે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીક અંતર્ગત નવતર અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સંસ્થાઓ સાથે મળીને જે પણ વાહન ચાલક ટ્રાફિક ના નિયમનો ભંગ કરે છે તે વાહન ચાલકોનું મોં મીઠું કરાવી ને તેઓને ટ્રાફિક નિયમન અંગે જાણકારી આપવામાં આવી રહી છે.

આજે શહેરના જોધપુર વિસ્તારમાં પોલીસે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને ગુલાબજાંબુ ખવડાવ્યા હતા. જેમાં ટ્રાફિક વિભાગ જોઈન્ટ પોલીસ કમિશનર મયકસિંહ ચાવડા અને પશ્ચિમ ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઈ સહિત પોલીસ કર્મીઓ રોંગ સાઈડ આવતા વાહનોચાલકોને પકડીને સમજાવ્યા હતા અને ગુલાબ જાંબુ ખવડાવ્યા હતા.

ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અંતર્ગત એક અઠવાડિયા સુધી ઝુંબેશ શરૂ રાખવામાં આવશે, ત્યારે જેસીપી મયકસિંહ ચાવડાનું કહેવું છે કે અન્ય કોઈ સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસ સાથે રાખી આ ઝુંબેશ વધારે શરૂ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ દરવર્ષે ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે લાખો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે છતાં પણ ટ્રાફિક નિયમો પાળવામાં અમદાવાદીઓની બેદરકારી જોવા મળતી હોય છે.

નોંધનીય છે કે ગત વર્ષની વાત કરી એ તો ગત વર્ષે ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ વાહન ચલવતા 2,253 વાહન ચાલકો ને રૂપિયા 33 લાખ 60 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલ મહિના સુધીમાં 512 વાહન ચાલકોને રૂપિયા 7 લાખ 70 હજારનો દંડ ફટકાર્યો છે. રોડ સેફ્ટી વીક અંતર્ગત પોલીસ દ્વારા આ રીતે અલગ અલગ વિસ્તાર માં કાર્યક્રમો યોજવામાં આવશે. જેથી વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમન અંગે જાગૃતતા આવે.

(12:39 am IST)