ગુજરાત
News of Monday, 17th May 2021

પિતાના ઘરે ગયેલા વેપારીના ઘરમાંથી ૭.૬૬ લાખની ચોરી

અમદાવાદના માધવપુરા વિસ્તારની ઘટના : વેપારીના ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ ૬૦૦૦, સોના-ચાંદીના દાગીના મળી ૭,૬૬,૦૦૦ની ચોરીની ફરિયાદ

અમદાવાદ, તા. ૧૭ : કોરોનાથી મૃત્યુ પામેલા પિતાના ઘરે સામાજિક કાર્યો અંગે રોકાયેલા વેપારીના ઘરમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૭.૬૬ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ માધવપુરા પોલીસ મથકમાં નોંધાઇ છે.

પોલીસ માહિતી અનુસાર, ૪૦ વર્ષીય દિવ્યાંગભાઈ દિનેશભાઈ પંચાલ શાહીબાગ બોમ્બે ગેરેજ નજીક મહાવીર કુટીર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને નરોડા જીઆઈડીસીમાં આશિષ એગ્રોપ્લાસ્ટ પ્રા.લિ. નામે કંપની ધરાવી પી.વી.સી. પાઈપ બનાવવાનો ધંધો કરે છે. ઈન્દિરા બ્રિજ નજીક ઉમિયા બંગલોઝમાં રહે છે.

તેમના પિતાને કોરોનો થયો હોવાથી છેલ્લા એકાદ મહિનાથી તેઓ પરિવાર સાથે પિતાના ઘરે રહેવા ગયા હતાં. આ દરમિયાન ૧૧ મેના રોજના રોજ તેમના પિતાનું અવસાન થતાં તેઓ ત્યાં જ રોકાયા હતાં અને શુક્રવારે બપોરે તેમના ઘરે જઈ કપડાં તથા જરૂરી સામાન લઈ પરત ફર્યા હતાં.

શનિવારે દિવ્યાંગભાઈ તથા તેમના બનેવી વિજયભાઈ ખેમચંદભાઈ પંચાલ કામઅર્થે તેમના ઘરે જતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલો જણાયો હતો તથા તેમના ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂ. ૬૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૭,૬૬,૦૦૦ની મતાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે તેમણે માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(9:16 pm IST)