ખેડા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડી પોલીસે સાત લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
ખેડા:જિલ્લામાં આજે આશરે સાત લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂ સાથે આશરે સાડા સાત લાખ રૂપિયાના અન્ય સામાન સાથે કુલ રૂા.૧૪,૪૫,૮૬૦ ના મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે. ખેડા-ધોળકા રોડ પર આવેલ ચાંદણા ગામની સીમમાં શાકભાજીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ,મહેમદાવાદ તાલુકાના મોટી અડબોલી મોતીપુરા સીમ વિસ્તારમાંથી,અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર આવેલ ભાટવાસણા ગામના પાટીયા પાસેથી અને કઠલાલ તાલુકાના અપ્રુજી ચોકડી પાસેથી ખેડા એલ.સી.બી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. ચારેય બનાવોમાં કુલ દસ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચારેય બનાવો અંગે ખેડા,મહેમદાવાદ,ઠાસરા અને કઠલાલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા ટાઉન પોલીસ ગતમોડી રાતે પેટ્રોલિંગમાં નિકળી હતી. ખેડા તાલુકાના રઢુ ગામથી ખેડા ગામ તરફ આવી રહ્યા હતા.તે સમયે ચાંદણા ગામની સીમમાં એક બોલેરો ગાડીને અકસ્માત થયો હોવાનુ જણાઇ આવ્યુ હતુ.જેથી પોલીસ કર્મચારી ગાડીમાંથી નીચે ઉતરી બેટરીના અજવાળે ગાડી જોતા ગાડી આગળના ભાગ તરફ અકસ્માત થયો હતો. પીકઅપબોલેરોની પાછળની સાઇડ જોતા શાકભાજી ભરેલા જણાઇ આવ્યુ હતુ. શાકભાજી નીચે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ટીમે શાકભાજી નીચે ઉત્તારતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ-૫૭ પેટી તથા ચાર થેલામાં ૧૫૮ બોટલો મળી કુલ બોટલ નંગ-૧૩૩૦ કિ.રૂા.૨,૨૭,૯૬૦,ગાડી કિ.રૂા.૨,૫૦,૦૦૦ એમ મળી કુલ રૂા.૪,૭૭,૯૬૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ખેડા પોલીસે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.