ગુજરાત
News of Friday, 17th May 2019

વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં યુવા શિબીર પ્રારંભ કરાવતા રૂપાણીઃ 'આધ્યાત્મિક નેતૃત્વ' પુસ્તક વિમોચન

ધર્મ ક્ષેત્રના વડા બનવા માટે શું સમજણ જોઈએ ? જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પુસ્તક તૈયાર કરાવ્યું

વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યુવા શિબીરનું ઉદ્ઘાટન કરી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી પ્રેરિત પ્રવૃતિની પ્રશંસા કરી હતી તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૧૭ :. શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં બિરાજીત શ્રી સ્વામિનારાયણ ભગવાન (ઘનશ્યામ મહારાજ), શ્રી રાધાકૃષ્ણ દેવ તથા શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવોના ૧૫માં પાટોત્સવ નિમિતે સદ્ગુરૂ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામવાળાની પ્રેરણાથી ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૬ થી ૨૦ સુધી યોજાયેલ મહોત્સવમાં યુવા-યુવતી શિબિર, બાલ-બાલિકા શિબિર, પ્રૌઢ-પ્રૌઢા શિબિર તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તે અંતર્ગત આજે યુવા-યુવતી શિબિરનું ઉદઘાટન શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું. તેમણે યુવાનોને દેશનું ભાવિ ગણાવી સંપ્રદાયની પ્રવૃતિને બીરદાવી હતી.

પાંચ દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા અનુભવી સંતો-ભકતો, વિશિષ્ટ સત્સંગ-કથાવાર્તા તેમજ વિવિધ પ્રેઝન્ટેશનો દ્વારા જીવન ઘડતરના પાઠ શીખવશે. આ મહોત્સવમાં હજારો યુવા-યુવતી તથા આબાલ-વૃદ્ધ ભકતો જીવનમાં સુસંસ્કારો પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવશે. આજના સમારંભમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના અંતિમ દિવસે તા. ૨૦ના રોજ સવારે ૭ થી ૮ દરમિયાન મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો વિવિધ જ્યુસ, દૂધ-દહીં તથા તિર્થોના પવિત્ર જળથી ભવ્ય અભિષેક કરવામાં આવશે તેમજ સવારે ૧૧ કલાકે મંદિરમાં, દેવો સમક્ષ ભવ્ય અન્નકુટ ધરવામાં આવશે. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારી ઠાકોરજીનો અભિષેક કરશે તેમજ દર્શન - આશીર્વચનનો લાભ આપશે તેમ અલૌકિકદાસજી સ્વામી જણાવે છે.

પુસ્તક વિમોચન

શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલીબાગ-વડોદરા દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીની પ્રેરણાથી 'સ્પિરિચ્યુઅલ લીડરશિપ' નામનું ગાગરમાં સાગર સમાન અદ્ભૂત પુસ્તક પ્રકાશિત થયું છે.

'સ્પિરિચ્યુઅલ લીડરશિપ'  પુસ્તકના મૂળ અંગ્રેજી લેખક પ્રો. સતીન્દર ધીમાન છે. અમેરિકાના મેનેજમેન્ટ ગુરૂ પ્રો. શ્રીસતીન્દર ધીમાન કે જેઓ એસોસિએટ ડીન, એમ.બી.એ. ચેર અને ડિરેકટર અને મેનેજમેન્ટના પ્રોફેસર, વુડબરી યુનિવર્સિટી, બરબેંક, કેલિફોર્નિયાના મહાન વિદ્વાન છે.

જેઓ ૧૦ વર્ષ ભારતમાં અને છેલ્લા ૩૦ વર્ષથી અમેરિકામાં વિવિધ મેનેજમેન્ટ અને લીડરશિપ વિષયને ભણાવી રહ્યા છે. વિશ્વની અનેક યુનિવર્સિટી તથા સંસ્થાઓમાં તેમણે મેનેજમેન્ટ અને લીડરશિપનું માર્ગદર્શન આપ્યું છે. તેઓ મેનેજમેન્ટ અને લીડરશિપના વીસથી પણ વધુ પુસ્તકોના સર્જક છે.

થોડા સમય પહેલા તેમણે લખેલ 'હોલીસ્ટીક લીડરશિપ' પુસ્તકના સારાંશરૂપ ૧૦૧ મુદ્દાઓ તથા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન આધારિત 'ગાંધી એન્ડ લીડરશિપ' પુસ્તકના સારભૂત ૫૧ મુદ્દા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સાંભળ્યા. તેમા રસ પડતા આ સૂત્રો ઉપર પૂ. સ્વામીજી અને પ્રો. શ્રીસતીન્દર ધીમાને મંથન કરીને સુંદર ભાવાર્થ હિન્દી અને ગુજરાતીમાં આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યો છે.  આ ૧૫૨ મુદ્દાઓનો રસથાળ 'સ્પિરિચ્યુઅલ લીડરશિપ' (આધ્યાત્મિક નેતૃત્વ) નામ આપીને શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. આધ્યાત્મિક નેતૃત્વરૂપ સાગરમંથનનું આ અમૃત આજે આપણને ત્રણેય ભાષામાં પ્રાપ્ત થઈ રહ્યું છે.

આધ્યાત્મિક માર્ગના વડા એવં નેતા બનવા માટે આપણી સમજણ શું હોવી જોઈએ ? આપણે કેમ રહેવું-વર્તવુ જોઈએ ? અને સર્વજીવહિતાર્થે કેમ, કેવા ભાવથી, કેવા કાર્યો તથા આયોજનો કરવા જોઈએ ? તેનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ 'સ્પિરિચ્યુઅલ લીડરશિપ'  નામની પુસ્તિકા ઉપયોગી નીવડશે. વધુ માહિતી માટે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ફોન નં. ૦૨૬૫-૨૪૬૨૬૨૮ અથવા મો. ૯૬૦૧૨ ૯૦૦૧૫ ઉપર સંપર્ક સાધવો.

(3:48 pm IST)