ગુજરાત
News of Thursday, 16th May 2019

વડોદરામાં વ્યાજખોરીનું દુષણ ડામવા તમામ અરજદારોનો લોક દરબાર યોજાયો :રૂબરૂ સાંભળી ફરિયાદ નોંધવા આદેશ

પોલીસનો અનોખો પ્રયોગ :ઝોન-4ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારો આવ્યા

 

વડોદરા : વડોદરામાં વ્યાજખોરોનું દૂષણ ડામવા પોલીસે તમામ અરજદારોનો લોકદરબાર યોજ્યો હતો પોલીસે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અરજી આપનારા તમામ અરજદારોનો લોકદરબાર યોજી તેમને રૂબરૂ સાંભળ્યા, સાથે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યા છે

   વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનમાં વડોદરા પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરે ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારોનો લોકદરબાર યોજયો. લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા અરજદારો આવ્યા હતા. પોલીસ કમિશનર સહિત તમામ પોલીસના અધિકારીઓએ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા.

   પોલીસ કમિશનરે તમામ અરજદારોની એફઆઈઆર દાખલ કરી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. પોલીસ કમિશનરે વ્યાજખોરોને પકડવા 25 પોલીસની ટીમ બનાવી છે. સાથે લોકોને કોઈ પણ ખોટુ પગલું ભરતા પહેલા પોલીસને મળતા અપીલ કરી હતી.

   વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલી આજવા રોડ પર રહેતા વંદના મહેશ્વરીએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. વંદનાબેનની રજુઆત સાંભળી પોલીસ કમિશનર અવાચક રહી ગયા હતા. વંદનાબેને 5 વર્ષ પહેલા સતીષ રાજપુત અને સંજય રાજપુત પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજથી લીધા હતા. જેમાંથી તેમને 78 હજાર ચુકવી દીધા હતા. માત્ર 22 હજાર બાકી છે તેમ છતાં વ્યાજખોરો તેમની પાસેથી 3.10 લાખ રૂપિયા માંગી રહ્યા છે. વંદનાબેને કુખ્યાત વ્યાજખોર સાગર અને મયંક બ્રહ્મભટ્ટ પાસેથી 30 હજાર વ્યાજથી લીધા હતા જે તેમને ચુકવી પણ દીધા તેમ છતાં બંને ભાઈઓ મહિલાને 58 હજાર વધુ આપવા દબાણ કરી માનસીક ત્રાસ આપી રહ્યા છે

   લોકદરબારમાં વારસીયા વિસ્તારમાં રહેતા મનીષ ભેલાણી પણ આવ્યા હતા. જેમને પોલીસ કમિશનરને ફરીયાદ કરી કે ગોપ કાલરા, અનીલ મેઘાણી, જગ્ગુભાઈ અને નિલેશ મરાઠી પાસેથી 6 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેમને 10 વર્ષમાં 20 લાખ ચુકવી દીધા તેમ છતાં વ્યાજખોરો હજી 4 લાખ રૂપિયા માંગી હેરાન પરેશાન કરે છે. ફરીયાદીની રજુઆત બાદ પોલીસના લોકદરબારમાં આવેલા ચારેય વ્યાજખોરોને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી

(12:28 am IST)