ગુજરાત
News of Thursday, 17th May 2018

ગાંધીનગર જિલ્લામાં મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તા દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં હાલ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે પેથાપુરના સંજરી એવન્યુમાં દરોડો પાડી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તો વિદેશી દારૂ વેચવાનું કૌભાંડ પકડી પાડયું હતું અને દારૂની પપ બોટલ સહિત ચાર આરોપીઓને પ૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં હાલ પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે એટલું જ નહીં એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટ દ્વારા સ્ટાફના માણસોને બાતમીદારોને સક્રિય કરી બુટલેગરો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે પેથાપુર નિલકંઠ વિલા પાસે આવેલા સંજરી એવન્યુમાં મકાન નં.૬માં વિદેશી દારૂ વેચાઈ રહયો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં પાર્કિંગમાંથી જ મોહન મનજીભાઈ ગોહિલ રહે.સે-ર૪ ઈન્દિરાનગર, અમિતકુમાર પરસોત્તમ વર્મા રહે.ચ-ટાઈપ સે-ર૯ને બાઈક સાથે ઝડપી પાડયા હતા અને આ પાર્કના પ્રથમ માળેથી સુધીરકુમાર બલજીતસિંહ એલાવત અને સંદીપ ઉર્ફે સોનુ દલબીરસિંહ ચમાર રહે.સંજરી એવન્યુ પેથાપુરને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની પપ બોટલ જપ્ત કરવામાં આવી હતી.

(6:06 pm IST)