ગુજરાત
News of Thursday, 17th May 2018

બહુચરાજી નજીક હાંસલપુરમાં 20 ફૂટ ઊંડા બોરવેલમાં બે વર્ષની માસુમ બાળકી ફસાઈ જતા અફડાતફડી

બહુચરાજી:નજીકના હાંસલપુર ગામે બંધ પડેલા ૨૦ ફુટ ઉંડા બોરવેલમાં એક શ્રમિક પરિવારની બે વર્ષની માસુમબાળકી ફસાઈ જતાં અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની મદદથી બાળકીને બચાવી લેવામાં સફળતા મળી હતી. આજે બહુચરાજીથી ૨ કિ.મી. દૂર આવેલા માંડલ તાલુકાના હાંસલપુર ગામે એક ખેતરમાં બંધ પડેલા ખુલ્લા બોરવેલમાં એક બે વર્ષની બાળકી રમતાં-રમતાં બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ ખાનગી કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને આજુબાજુના ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડની એક ટીમે બાળકીને બચાવી લેવા કામમાં જોતરાઈ હતી અને સમયસુચકતાને કારણે એક માસુમ બાળકીનો જીવ બચી ગયો હતો. જાણવા મળે છે તે મુજબ અહીંની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા એક શ્રમિકની બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીના અદ્ભુત બચાવથી તેણીના સ્વજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને બાળકીના બચાવથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
 

(6:04 pm IST)