ગુજરાત
News of Thursday, 17th May 2018

૨૦૦૦ આચાર્યોની જગ્યા રદ્દઃ ભારે રોષ

ભરતી કરી અને હવે છૂટા કરી અન્ય જગ્યાએ મુકાશે : ૧ હજારથી વધુ ફરજ બજાવતા આચાર્યોને અસર

રાજકોટ તા. ૧૭ : રાજયની પ્રાથમિક શાળામાં આચાર્યોની કુલ ૧૧,૩૯૭ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી અને તેના આધારે એચટાટની પરીક્ષા લઈને ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મંજૂર કરેલ જગ્યાઓ પૈકીની ૧૯૨૯ જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ભારે રોષ ફેલાયો છે, કારણ કે જે જગ્યાઓ રદ કરવામાં આવી છે તેમાં અંદાજે ૧ હજારથી વધુ જગ્યાઓ એવી છે કે જયા આચાર્યો ફરજ બજાવી રહ્યાં છે.

બીજી તરફ આ નિર્ણયનાં પગલે ભ્રષ્ટાચાર પણ વધવાની શકયતાઓ સર્જાશે કારણ કે, જે નિમણુંકો મળેલી છે તે મેરિટનાં આધારે પસંદગીની સ્કૂલો મળી છે અને હવે સ્કૂલ બદલવાનો વારો આવશે ત્યારે સારી સ્કૂલોમાં જવા માટે અને મોકલવા માટે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરશે તેવુ સુત્રો જણાવી રહ્યાં છે.

નિયામક દ્વારા કરેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, આરટીઈ એકટની જોગવાઈઓ મુજબ ધોરણ.૧થી ૫માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી અથવા તો ધોરણ ૬થી ૮માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા અથવા તો ધોરણ ૧થી ૫માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને ધોરણ ૬થી ૮માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાનો માપદંડ જળવાતો નથી તેવી ૧૯૨૯ પ્રાથમિક સ્કૂલોની મુખ્ય શિક્ષકોની જગ્યાઓ રદ કરવામાં આવે છે.

(4:09 pm IST)