ગુજરાત
News of Thursday, 17th May 2018

વાવણી વિસ્તારમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ વધી શકે છે

વાવણી વિસ્તારમાં ૨૪ ટકાનો ઘટાડો થયોઃ ગયા વર્ષે કુલ ૯૭૭૦૦ હેક્ટર વિસ્તારમાં શાકભાજીની વાવણી સામે આ વખતે ૭૫૧૦૦ હેક્ટરમાં વાવણી થઇ

અમદાવાદ,તા.૧૬, અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં ટૂંકમાં શાકભાજીના ભાવમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, શાકભાજીના વાવણી વિસ્તારમાં ઘટાડો થયો છે. આ સિઝનમાં ઘટાડો થયા બાદ તેની અસર પણ નજીકના ભવિષ્યમાં દેખાશે. શાકભાજીના ભાવમાં ઉછાળો આવી શકે છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટિમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, શાકભાજીના પુરવઠામાં ઘટાડાની અસર રહી શકે છે જેના પરિણામ સ્વરુપે તેની અસર કિંમતો પર થશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષે શાકભાજીની ૯૭૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવી હતી જ્યારે આ વખતે ૭૫૧૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવી છે એટલે કે ૨૪ ટકા ઓછા વિસ્તારમાં આ વખતે વાવણી થઇ છે. અધિકારીઓનું કહેવું છે કે, ૧૦ વર્ષના સરેરાશ વાવણી વિસ્તારનો આંકડો ૯૫૯૦૦ હેક્ટરનો રહ્યો છે. એપીએમસી હોદ્દેદારોનું કહેવું છે કે, શાકભાજીની કિંમતો હાલમાં ઉતારચઢાવની સ્થિતિમાં જોવા મળી રહી છે. શાકભાજીની કિંમતો સ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. સ્થાનિક બટાકાની કિંમત આ વર્ષે ૮થી ૧૨.૫૦ રૃપિયા પ્રતિકિલો રહી છે. ગયા વર્ષે બટાકાનો ભાવ ૬થી ૩.૫૦ રૃપિયાનો હતો. આવી જ રીતે ફુલાવરના ભાવ હોલસેલ માર્કેટમાં આ વર્ષે ૨૫ રૃપિયા પ્રતિકિલો છે જે ગયા વર્ષે ૧૮ રૃપિયા હતી. જો શાકભાજીનો પુરવઠો ઘટશે તો કિંમતમાં હજુ પણ વધારો થઇ શકે છે. કૃષિ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, તમામ પાક માટે વાવણી વિસ્તાર આ ઉનાળામાં ૭.૬ લાખ હેક્ટર છે જે ગયા ઉનાળાની સરખામણીમાં ઓછો વિસ્તાર છે.

ગયા વર્ષે ઉનાળામાં ૮.૫ લાખ હેક્ટર વિસ્તારમાં તમામ પાકની વાવણી કરવામાં આવી હતી. રાજ્યમાં દર ૧૦ વર્ષે સરેરાશ વાવણી વિસ્તારનો આંકડો ૮.૪ લાખ હેક્ટર વિસ્તારનો રહ્યો છે. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે. આ વર્ષે સરકારે જાહેરાત કરી હતી કે, ઉનાળાના પાક માટે ૧૫મી માર્ચ બાદ સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે નહીં. જેના પરિણામ સ્વરુપે ખેડૂતોમાં નિરાશા ફેલાઈ હતી. આંકડા દર્શાવે છે કે, વાવણી વિસ્તારમાં ઘટાડો ચિંતાજનક છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

(9:32 pm IST)