ગુજરાત
News of Thursday, 17th May 2018

સોમવારે અેક દિવસ ગરમીઅે પોરો ખાધા બાદ ફરીથી ધોમધખતો તાપઃ મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા લોકો ત્રાહિમામ

અમદાવાદઃ સોમવારે થોડી રાહત બાદ મંગળવારે ગરમીએ ફરી પોતાનો મિજાજ બતાવ્યો હતો. રાજ્યના 8 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. ભારતીય હવામાન ખાતા મુજબ સૌરાષ્ટ્રમાં આવેલ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 27મી મેના રોજ કેરળમાં વરસાદ થાય તેવી આગાહી છે ત્યારે જૂન મહિના સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

ઉલ્લેખીય છે કે 44 સેલ્સિયસ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્યથી 1.3 ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 28.2 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત મંગળવારે ભેજનું પ્રમાણ 23 ટકાથી 57 ટકા જેટલું નોંધાયું હતું. શહેરના વિવિધ વિસ્તારો અને રાજ્યના કેટલાક સ્થળોએ ધૂળની ડુમરીઓ પણ ઉઠી હતી.

સાઉથ-ઈસ્ટ રાજસ્થાન અને નોર્થ-વેસ્ટ મધ્ય પ્રદેશમાં સંલગ્ન અપર એર સર્ક્યુલેશન થવાના કારણે ધૂળની આંધી અને વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જો કે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાના કારણે આ સાઈક્લોનિક સર્ક્યુલેશન કોઈપણ પ્રકારની રાહત નહીં આપે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીગરનું તાપમાન 43 ડિગ્રી અને અમરેલીનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું.

ભારતીય હવામાન ખાતા મુજબ આગામી 2થી 3 દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને સાઉથ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ લાંબો તફાવત નહીં હોય, બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 સેલ્સિયસ ડિગ્રી રહે તેવી શક્યતા જતાવવામા આવી રહી છે. ત્યારે લોકોને હજુ આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત નહીં મળે.

(7:27 pm IST)