ગુજરાત
News of Saturday, 17th April 2021

અમદાવાદ સ્ટેશને કુંભ મેળામાંથી ટ્રેનમાં પરત આવેલા 34 લોકો પોઝિટિવ મળ્યા

સાબરતમી સ્ટેશન પર કુંભ મેળામાંથી ટ્રેનમાં પરત આવેલા 313 દર્શનાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા

અમદાવાદ : કોરોના સંક્રમણની બીજી લહેરમાં કુંભ મેળામાં ગુજરાતીઓ સહિત અનેક ભક્તોએ ભાગ લીધો હતો. કુંભ મેળામાં અનેક ભક્તો કોરોના સંક્રમિત થયા છે. તેવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કુંભ મેળામાંથી પરત ફરેલા દર્શનાર્થીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે. અમદાવાદ સાબરમતિ સ્ટેશન પર કુંભ મેળામાંથી ટ્રેનમાં પરત આવેલા 313 દર્શનાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 34 લોકો પોઝિટિવ આવ્યા છે

   કોરોના સંક્રમણ વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ કુંભ મેળામાં ભાગ લેવા માટે હજારો ગુજરાતીઓ ગયા હતા. કુંભ મેળામાંથી પરત આવતા દર્શનાર્થીઓનો ગુજરાતમાં કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. કુંભમેળામાંથી 600 દર્શનાર્થી સાબરમતી રેલ્વે સ્ટેશન પર પહોચ્યા હતા, જેમના રેલ્વે સ્ટેશન પર જ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી જેમનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તેમણે જ ઘરે જવા દેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 313 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 34 દર્શનાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે તેમણે સમરસ કોવિડ કેર સેન્ટરમાં લઇ જવામાં આવી રહ્યા છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ દરમિયાન કોરોના સંક્રમણના વધતા સમાચારને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે હવે કુંભને પ્રતીકાત્મક જ રાખવામાં આવે. મહત્વપૂર્ણ છે કે કુંભ મેળામાં 11થી 13 એપ્રિલ વચ્ચે કુલ 1300 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા હતા

(7:47 pm IST)