ગુજરાત
News of Saturday, 17th April 2021

સંચાલકે વિદ્યાર્થીના ફોનમાંથી શિક્ષિકાના પતિને મેસેજ કર્યા

સંચાલકને ઊંઝાથી ઝડપી પાડ્યો છે : આરોપીએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે, અભ્યાસ કર્યા બાદ પોતાના ગામ મક્તુપુરમાં ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે ઈંટર્નશિપ કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છું કહીને યુવકને બીભત્સ મેસેજો મોકલ્યા હતા અને બાદમાં બીભત્સ ફોટો પણ મોકલ્યા હતા. આ કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્યૂશન ક્લાસ સંચાલક ૩૫ વર્ષીય કલ્પેશકુમાર વાસુદેવ જોષીએ પહેલા ટ્યૂશન ક્લાસીસ લેતા શક્ષિકાએ ટ્યૂશન ક્લાસ લેવા જવાનુ બંધ કરી દેતા તેના પતિને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. શિક્ષિકાએ ટ્યૂશન ક્લાસમાં જવાનું બંધ કરતા સંચાલકને આર્થિક નુકસાન થયું હતું.

જેથી અંગત અદાવત રાખીને બીભત્સ મેસેજ અને ફોટો ટ્યૂશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીના મોબાઇલથી શિક્ષિકાના પતિનેને મોકલી હેરાન કરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે બીભત્સ મેસેજ કરનાર સંચાલકને ઊંઝાથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કલ્પેશે તેને ત્યાં ટ્યૂશન ક્લાસ કરવા આવતા વિદ્યાર્થીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીને તેની પત્ની અંગે બીભત્સ મેસેજ અને ફોટો મોકલ્યા હતા. આ ગુનામાં વાપરેલો મોબાઇલ ફોન તપાસ માટે કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસ કર્યા બાદ પોતાના ગામ મક્તુપુરમાં ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. આ સાથે આરોપી સિધ્ધપુરમાં રેડીમેડ ગારમેન્ટનો વેપાર ધંધો કરે છે.

શહેરનાં શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે સરકારી મકાનમાં રહેતા ૨૩ વર્ષીય યુવક મોટા ભાઈ તથા માતા સાથે રહે છે. શહેર બહાર એક હૉસ્પિટલમાં તેઓ ડૉકટર તરીકે ઈન્ટર્નશિપ કરે છે. તેમનો ભાઈ શહેરની એક સરકારી હૉસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે. ચારેક વર્ષ પહેલા આ યુવકના લગ્ન થયા હતા. પણ આણું બાકી હોવાથી પત્ની પિયરમાં જ રહે છે. ગત ૧૫મી માર્ચના રોજ આ યુવકને અજાણ્યા નમ્બર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. 

જેમાં લખ્યું હતું કે, હું મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છુ.* બાદમાં આ મેડમ એટલે કે ફરિયાદી યુવકની પત્ની વિશે બીભત્સ પ્રકારના મેસેજ પણ કર્યા હતા. તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, અને એન્જોય વિથ સેકન્ડ પીસ' જેવા બીભત્સ મેસેજો કર્યા હતા. બાદમાં આ શખશે ૮મી એપ્રિલ સુધી યુવકની પત્ની વિશે બીભત્સ મેસેજો કરી બીભત્સ ફોટો મોકલી યુવકને હેરાન કર્યો હતો. યુવકના લગ્નજીવન તોડવાની કોશિશ કરવા આ કાવતરું કોઈ શખશે રચ્યું હોવાથી યુવકે તેના મોટાભાઈને વાત કરી હતી.

(7:28 pm IST)