ગુજરાત
News of Saturday, 17th April 2021

શહેરમાં કોરોના વિસ્ફોટ, ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખોરવાઈ

ઘરે સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી : ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ઘરે ના પહોંચવાના કારણે અમદાવાદમાં ચાર દર્દીઓનું ઘરે જ મોત થયાની ચર્ચા

અમદાવાદ,તા.૧૬ : જે પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે, તેની અસર અમદાવાદમાં પણ ઘણી જોવા મળી રહી છે. શહેરમાં કોરોનાના વિસ્ફોટક કેસોના લીધે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે તો બીજી તરફ ૧૦૮ની સેવા પણ ખોરવાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચવાના કારણે ચાર દર્દીઓના મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કોર્પોરેશનના હેલ્થના સત્તાવાર સૂત્રોએ આવું કશું બન્યું ન હોવાનું જણાવ્યું છે.

આવામાં નિશ્ચિત સમયમાં એમ્બ્યુલન્સ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચ્યા પછી જે રાહ જોવાની આવે છે તેના કારણે તેની સેવા પર અસર પડી રહી છે. સામાન્ય સંજોગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ પહોંચાડી દે અને તેની સારવાર શરુ થઈ જાય એટલે ત્યાંથી રવાના થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીમાં એ શક્ય નથી, એમ્બ્યુલન્સ દર્દીને લઈને હોસ્પિટલ પહોંચે તે પછી બેડ મળે નહીં ત્યાં સુધી લાંબી રાહ જોવી પડે છે, આવામાં આગાઉથી ઉભેલી એમ્બ્યુલન્સનું ક્લિયરન્સ ના થાય ત્યાં સુધીમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર થઈ જતી હોય છે.

આવામાં જે દર્દીઓ ઘરે એમ્બ્યુલન્સની રાહ જોઈને બેઠા હોય તેમની હાલત કફોડી બની જતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોરોનાના દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ પહોંચાડવા ફરજિયાત હોવાથી દર્દીના સગાઓએ ૧૦૮ને ફોન કર્યા બાદ લાંબી રાહ જોવાનો વારો આવે છે. આવી સ્થિતિમાં દર્દીની તબિયત કફોડી બની જાય છતાં ૧૦૮ની રાહ જોવી પડે છે. શહેરમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. કુલ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારની સંખ્યા ૪૩૦ થઈ ગઈ છે. આ વિસ્તારોમાં કડક પાલન ના થતું હોવાની પણ વાતો સામે આવી રહી છે. આંકડા જણાવે છે કે જે પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થાય તેમ-તેમ નવા કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે.

(9:31 pm IST)