ગુજરાત
News of Tuesday, 17th April 2018

અમદાવાદની રાજપુત છાત્રાલયમાં ૧પ વાહનોને સળગાવી દીધા બાદ તંગદીલીઃ ટોળાઅે અેલીસબ્રીજ પોલીસ સ્‍ટેશનમાં ઘેરાવ કર્યોઃ ટીયરગેસના સેલ છોડવા પડયાઃ વિદ્યાર્થીઓ અેટલા બધા ડરી ગયા હતા કે તેમને પણ જીવતા સળગાવી દેવાશે તેવો ભય લાગતો હતો

અમદાવાદ: અમદાવાદના ભુદરપુરા વિસ્‍તારમાં રાજપુત છાત્રાલયમાં પથ્‍થરમારો કર્યા બાદ લતાવાસીઓઅે હોસ્‍ટેલ બંધ કરી દેવાની ચીમકી બાદ તંગદીલી મચી ગઇ હતી. ટોળાઅે હોસ્‍ટેલ ઉપર પથ્‍થરમારો કરીને અેલીસબ્રીજ પોલીસ સ્‍ટેશનને ઘેરાવ કરતા ટોળાને કાબુમાં લેવા પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્‍યા હતા.

ભુદરપુરા વિસ્તારમાં ગઈ કાલે રાજપૂતોની નયનાબા હોસ્ટેલ પર સ્થાનિકોના ટોળાંએ હુમલો કરી 15 જેટલા વાહનો ફુંકી મારવાની ઘટના બાદ આજે ટોળાંએ એલિસબ્રિજ સ્ટેશનનો ઘેરાવો કરી આશ્રમ રોડ પર ટ્રાફિક થંભાવી દીધો હતો. ટોળાંની માગ હતી કે, ગઈ કાલે બબાલ કરનારા આરોપીઓ સામે પગલાં લેવામાં આવે, તેમજ હોસ્ટેલને કાયમી ધોરણે બંધ કરી દેવાય.

મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પર ઉમટી પડતાં પોલીસને પણ સ્થિતિ કાબૂમાં લેતા નાકે દમ આવી ગયો હતો. પોલીસે ગઈ કાલે બનેલી ઘટનાના સંદર્ભમાં FIR દાખલ કરી છે. પોલીસનો દાવો છે કે, આજે સ્થાનિક અગ્રણીઓ અને હોસ્ટેલના સંચાલકો મિટિંગ કરશે અને તેમાં મામલે ચર્ચા કરાશે. જોકે, સ્થાનિકો હજુ પણ હોસ્ટેલ બંધ કરાય તેવી માગ પર અડગ છે.

સોમવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ભૂદરપુરામાં આવેલી રાજપૂત સમાજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકો વચ્ચે કોઈ બાબતે મોટી બબાલ થતાં હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનોને આગ લગાડી દેવામાં આવી હતી. હોસ્ટેલ પર પથ્થરમારો થતાં ગભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ બોલાવી લીધી હતી. તોફાની બનેલા ટોળાંને વિખેરવા પોલીસને ટિયરગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

ચોંકાવનારી વાત છે કે, પોલીસ અને ફાયરબ્રિગેડ પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો. પોલીસે મામલે જેટલા લોકોની અટકાયત પણ કરી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાન વખતે પણ ભુદરપુરામાં આવેલા આંબેડકર કોલોનીના સ્થાનિકો અને રાજપૂત યુવા સંઘના છાત્રાલયના વિદ્યાર્થીઓ વચ્ચે ખટપટ થઈ હતી.

બીજી તરફ, કેટલાક છાત્રોનું એમ પણ કહેવું છે કે, સોમવારે રાત્રે એક શખ્સ દારુ પીને હોસ્ટેલના વિદ્યાર્થીઓને બેફામ ગાળો આપી રહ્યો હતો. તે દરમિયાન બંને પક્ષે બોલાચાલી થતાં શખ્સ 15-20 લોકોનું ટોળું લઈ આવ્યો હતો, અને ટોળાંએ હોસ્ટેલ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. વાહનોને આગ ચાંપી દેવાતા વિદ્યાર્થીઓ એટલા ડરી ગયા હતા કે, તેમને પણ જીવતા સળગાવી દેવાશે તેવો ભય લાગ્યો હતો.

ટોળાંએ કરેલા પથ્થરમારામાં ફાયર બ્રિગેડનો એક જવાન પણ ઘાયલ થયો હતો. તોફાની બનેલા ટોળાંએ હોસ્ટેલ પર પથ્થરમારો કરવાની સાથે તોડફોડ પણ કરી હતી. રાત્રે એક વાગ્યા સુધી ચાલેલી બબાલમાં પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. હાલ પણ અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

(7:34 pm IST)