ગુજરાત
News of Tuesday, 17th April 2018

રાજયમાં અેક તરફ ધોમધખતો તાપ તો બીજી તરફ ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડુતો પરેશાન

ભરૂચઃ એક તરફ રાજ્યમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાંસોલ પંથકમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. કારણે કે ખેડૂતોને કેરી , ઘઉં અને જીરા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદ જેને લઈને હાલ ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યાં છે. અહીં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર થતાં જ વરસાદી માહોલ છવાયો હતો. જેને લઈને લોકોએ ગરમીની ઋતુમાં વરસાદી માહોલની મજા માણી હતી..

મહત્વનું છે કે સતત ત્રીજા વર્ષે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસાની ઋતુની શરૂઆ્રત થઈ જશે. અને આ વર્ષ 97 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 97 ટકા વરસાદ થશે. જ્યારે દુષ્કાળની વાત કરીએ તો તેની સંભાવના 0 ટકા છે. ઉલ્લેખનીય છે કે, 94 ટકાથી 104 ટકા સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં 96 ટકાથી 97 ટકા વરસાદની આગાહી છે.

આમ હાલ તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અને લોકો ગરમીનો મારો સહન કરી રહ્યાં છે. ત્યારે ચોમાસુ વહેલુ થશે તે લોકોને ગરમીમાંથી રાહત મળશે.

(7:25 pm IST)