ગુજરાત
News of Tuesday, 17th April 2018

બાયડ તાલુકાના સાત ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોને ભર ઉનાળે હાલાકીનો સામનો કરવાની નોબત આવી

બાયડ:તાલુકાના ૭ ગામોમાં પીવાના પાણીની પડતી તકલીફને લઈ મોંઘવારી નિવારણ મંચ દ્વારા શહેરમાં રેલી યોજી સૂત્રોચ્ચાર પોકારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. બાયડ તાલુકાના સાઠંબા,ઈન્દ્રાણ,હઠીપુરા,ઓઢા પંચાયત,મુનજીના મુવાડા,બોરડી, પટેલના મુવાડા અને આમોદરા ગામોમાં પીવાના પાણીની મોટી તકલીફ છે. ગામોમાં ઉનાળાની શરૃઆતથી જ ૫ાણીની તકલીફ ઉભી થઈ છે.અડધા તાલુકાની વસ્તી આ વિસ્તારમાં આવેલી છે. કર્વારી ઉધોગના કારણે પાણીના તળ ઉંડા થયા છે. ઘણી જગ્યાએ હેન્ડપંપ પણ બંધ હાલતમાં છે.જયારે આ પંથકના તળાવો પણ ખાલીખમ થયા છે.જેથી પશુઓ માટે પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થઈ છે. જયારે મોટાભાગના ખેડૂત પરીવારો પશુપાલન પર નભે છે.હાલની પરિસ્થિતિ પશુઓ માટે પીવાના પાણીની મોટી તકલીફ હોય સોમવારના રોજ મોંઘવારી નિવારણ મંચના સીરાજભાઈ મોડાસીયા સહિત મોટીસંખ્યામાં કાર્યકરો સાથે બાયડ શહેરમાં રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર પોકારી આ રેલી પ્રાંત કચેરીએ પહોંચી હતી. અને તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સત્વરે પીવાના પાણીની અને પશુઓ માટેના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

(4:29 pm IST)