ગુજરાત
News of Tuesday, 17th April 2018

અમદાવાદના સેટેલાઈટમાં યુવતીઓની છેડતી થતા વેપારીઓનો ઉગ્ર આંદોલન

અમદાવાદ:સેટેલાઈટમાં આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરમાં યુવતીઓ અને છોકરીઓની છેડતી અને મારામારી કરતા લુખ્ખા તત્વોથી અહીંના વેપારીઓ ત્રાસી ગયા હતા. દરમિયાન સેન્ટરના પાર્કિંગમાં આ ટોળકીના એક શખ્સને વેપારીઆએેે રંગેહાથ ઝડપી લઈને પોલીસને બોલાવી હતી. જોકે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ૧૫૦ વેપારીઓનું જૂથ ઝોન ૭ ના ડીસીપીને મળ્યું હતું. અંતે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી બે શખ્સોને તાબામાં લીધા હતા. આ બનાવની વિગત મુજબ આનંદનગર રોડ પર સીમા હોલ સામે આવેલા ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરમાં છેલ્લા બે વર્ષથી લુખ્ખા તત્વોનો ત્રાસ હતો. આ બિઝનેસ સેન્ટરમાં ૧૨૦૦ જેટલી ઓફિસો અને ૧૫૦ દુકાનો આવેલી છે. જેમાં ઘણા ટયુશન ક્લાસીસ પણ આવેલા છે. આ લુખ્ખા તત્વો ટયુશનમાં આવતી છોકરીઓ અને ઓફિસોની યુવતીઓની છેડતી કરતા હતા. તે સિવાય અહીંના સ્કિયુરિટી ગાર્ડ તથા દુકાનોવાળાને દાદાગીરી કરીને મારઝૂડ કરી પરેશાન કરતા હતા. ૧૬ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યે બિઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાર્કિંગમાં એક શખ્સ કારમાં એક યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. જેને કારણે વેપારીઓ મોટી સંખ્યામાં બેઝેન્ટમાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તે સમયે આ શખ્સનો સાથીદાર વિપુલ દેસાઈ તેના માણસોને લઈને અહીં આવી પહોંચ્યો હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. તેણે સેક્રેટરી કુશ વ્યાસ અને ચેરમેન મયુર મહેતાને મારવાની ધમકી આપી હતી.
 

(4:29 pm IST)