ગુજરાત
News of Monday, 16th April 2018

વાપીના કંપનીના મેનેજરના ફ્લેટમાંથી તસ્કરોએ 6 તોલા દાગીનાની ચોરી કરી

વાપી:વાપીના છરવાણ રોડ પર રહેતા કંપનીના મેનેજરના બંધ ફલેટમાંથી તસ્કરો હાથ ફેરો કરી રોકડા રૃ. ૭૦ હજાર, ૬ તોલા સોના દાગીના સહિત કુલ રૃા. ૧.૮૦ લાખ માલમત્તાની ચોરી થઈ હતી. પરિવાર ગઈકાલે મુંબઈ ગયું હતું. સીસીટીવીમાં બે થી ત્રણ તસ્કરોની હિલચાલ કેદ થઈ હતી.

વાપીના નાની તંબાડી સ્થિત ફલેકસીબલ પેકેજીંગ પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં બાલચંદ્ર કમારન નામ્બીયર છરવાડા રોડ પર આવેલી મમતા કો.ઓ.સોસાયટીમાં રહે છે. બાલચંદ્ર ગઈકાલે પરિવાર સાથે મુંબઈ ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરો તેમના ફલેટના દરવાજાનો લોક તોડી અંદર ઘુસ્યા હતા. બેડરૃમમાં રહેલો કબાટ તોડી અંદર રહેલા રોકડા રૃ. ૭૦ હજાર, ૬ તોલા સોનાના દાગીના, આઈપેડ સહિત કુલ રૃા. ૧.૮૦ લાખના માલમત્તાની ચોરી કરી ભાગી ગયા હતા.

બાલચંદ્ર આજે પરત આવ્યો ત્યારે માલૂમ પડયું હતું. આ બનાવ અંગે જાણ કરતા વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સોસાયટીમાં લગાવેલા સીસીટીવીના ફુટેજ જોતા બે થી ત્રણ શખ્સોની હિલચાલ કેદ થઈ હતી. પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા સઘન તપાસ શરૃ કરી છે.

(8:01 pm IST)